શિક્ષક દિન પહેલાં જ સરકારથી માંડીને શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ, કલબો, મંડળો, એનજીઓ વગેરે માથા શોધવા દોડધામ શરૂ કરે છે. આ દિવસનો મુખ્ય હેતુ શિક્ષકોનું સન્માન કરવો હોય છે, પરંતુ ઘણીવાર તેની પાછળનો સાચો હેતુ પોતાની સંસ્થા અને ટ્રસ્ટના પ્રચાર-પ્રસારનો જ વધુ હોય છે. વર્ષભરના કાર્યક્રમોનો હિસાબ આપી શકે, પોતાની ઉદારતા દેખાડી શકે અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા સ્થાપી શકે – એવો પ્રયત્ન જ મુખ્ય બની રહે છે. હકીકતમાં તો ડિજિટલ અને પ્રિન્ટ માધ્યમોમાં પ્રસિદ્ધિ મેળવવાની દોડમાં શિક્ષક સન્માનના કાર્યક્રમો ઘણીવાર માત્ર એક ‘ સાધન’ બની ગયા છે.
પણ એક પ્રશ્ન વિચારવા જેવો છે – આજે શિક્ષક સાચા અર્થમાં શિક્ષક રહ્યો છે ખરો?
સરકાર, શિક્ષકો પાસે વસ્તી ગણતરી કરાવતી, ચૂંટણીના કામે લગાડતી, આપત્તિ વ્યવસ્થાપનમાં મૂકતી અને ઘણીવાર તેમને કારકૂનની જેમ ફોર્મ ભરીને ઓફિસની ફાઇલોમાં ખોવાઈ જવા મજબૂર કરતી જોવા મળે છે. ‘વિદ્યાસહાયક’ જેવી મોહક ઉપાધિ આપી પણ કોઈ આર્થિક સુરક્ષાની ખાતરી કર્યા વગર તેમને ચોકીદાર કરતાં પણ ઓછું વેતન આપી દિનરાત મહેનત કરાવી લેવામાં આવે છે. અનેક ખાનગી ટ્રસ્ટો અને સંસ્થાઓના સંચાલકો તો શિક્ષકોને પગલુછણિયું ગણતા હોય છે. ૧૧ મહિનાની નોકરી, એક માસ વેતન પિતા રહીને અને કાયમી કરવાની કોઈ ખાતરી વગર શિક્ષકોને કામે રાખવામાં આવે છે.
વિચાર કરો – જેમને આપણે ભવિષ્યની સમાજવ્યવસ્થા સોંપવાના છીએ, તે આપણા પાલ્યોને આવા થાકેલા, અસુરક્ષિત અને અકળાયેલા શિક્ષકો પાસેથી મૂલ્યો શીખવાના છે! જો નીતિનિર્માતા રાજકારણીઓ, અધિકારીઓ અથવા એનજીઓના વડાઓને જ આવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે, તો તેઓ કેટલા મૂલ્યનિષ્ઠ રહી શકશે?
શિક્ષકનું મુખ્ય કામ શિક્ષણ છે. પરંતુ તેને શિક્ષણ છોડીને ફાઇલોમાં ખોવાઈ જવું પડે છે, બિનસુરક્ષિત પરિસ્થિતિમાં જીવવું પડે છે. પોતાના જીવનનિર્વાહ માટે કોઈ શિક્ષક ટ્યુશન કરે કે અન્ય વ્યવસાય કરે તો તેમાં તેની ભૂલ ક્યાં છે?
૧૧ મહિના સુધી શિક્ષણ સિવાયના કાર્યોમાં શક્તિ વેડફીને, એક મહિના માટે વેતન વગર ઘેર બેસીને, બેંકના હવાલદાર કરતાં પણ ઓછું વેતન મેળવનાર શિક્ષકોની ફરિયાદ અણગણિત છે. ઘણીવાર તેમને કાનૂની લઘુત્તમ વેતન પણ મળતું નથી. પ્રસૂતિ રજા માંગનાર શિક્ષિકાને નોકરી ગુમાવવાનો ભય સતાવે છે. નિવૃત્તિના લાભો માટે દફ્તરેથી દફ્તરે ભટકવું પડે છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે શિક્ષક દિને તેમને સન્માન આપવામાં આવે છે, પરંતુ તે સન્માન પણ ઘણીવાર ‘ઉપકારભાવ’ સાથે અપાતું હોય છે.
સાચું કહીએ તો બધું જ ખરાબ નથી. ભૂતકાળમાં ચુનીલાલ ઘેણાભાઈ શાહ કે ચંદ્રવદન શાહ જેવા જવાબદાર સંચાલકોએ ઘણા સારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમાજને આપ્યા છે. વાડિયા ટ્રસ્ટ, વનિતા વિશ્રામ જેવી સંસ્થાઓના નામ પણ ગૌરવથી લેવાય છે, પરંતુ આજે વહીવટ જ્યારે શિક્ષકોના હાથમાંથી વેપારીઓના હાથમાં ગયો ત્યારથી પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે. શિક્ષણ કરતાં વધુ, નાણાં વ્યવહાર મહત્વના બની ગયા છે. શિક્ષકની ભૂમિકા ઉઘરાવનાર પઠાણની જ બની રહે છે.
જો શિક્ષક દિન ઉજવવો જ હોય, તો શિક્ષકને ફરીથી શિક્ષકત્વ આપીએ.
પ્રથમ તેમને આર્થિક સુરક્ષા આપીએ, વિચાર સ્વતંત્રતા આપીએ, અને તેમના કાર્યને ગૌરવ અપાવીએ. સંસ્થા કે સરકાર સાથે તેમના વિચારો ન મેળ ખાતા હોય, તો પણ તેમને પોતાની વિચારધારા વ્યક્ત કરવાની મુક્તિ આપીએ. ત્યારે જ શિક્ષક નવી પેઢીને મૂલ્યનિષ્ઠાના સાચા પાઠ ભણાવી શકશે.
અને એવું થશે ત્યારે જ શિક્ષક દિન સાચા અર્થમાં ઉજવાશે.
ચાલો, આ શિક્ષક દિને આપણે શિક્ષકને સાચા અર્થમાં શિક્ષક તરીકે ગૌરવ આપીએ.


