લખનૌઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે લખનૌ આઈઆઈએમના ખચોખચ ભરેલા હોલમાં ભાષણ વ્યક્ત કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને આપેલા પ્રેરણાદાયક ભાષણમાં તેમણે તેમના હૃદયને નજીક લાગતા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો.




ધારાવીને લઈ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, ‘દરેક વખત જ્યારે હું મુંબઈ આવતો અને ઉપરથી ઉડાન ભરતો, ત્યારે નીચેની ઝૂંપડપટ્ટીઓ જોઈને મારું અંત:કરણ વ્યથિત થઈ જતું, કારણ કે જ્યારે દેશના એટલા બધા લોકો સન્માન વિના જીવે છે, ત્યારે એ દેશ સાચા અર્થમાં પ્રગતિ કરી શકતો નથી.
બધાએ મને કહ્યું: “ધારાવી બહુ રાજકીય વિષય છે.” “આ બહુ જોખમી છે.” “આ સંભાળવું મુશ્કેલ છે.” અને એ જ કારણ છે કે મેં કહ્યું: આપણે આ કરવું જ પડશે. ધારાવીનો પુનર્વિકાસ ફક્ત ઈંટો ગોઠવવાનો કે એક વધુ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ નથી. આ એ 10 લાખ લોકોની પ્રતિષ્ઠા ફરીથી સ્થાપિત કરવાનો વિષય છે, જેઓએ મુંબઈના નિર્માણમાં યોગદાન આપ્યું, પરંતુ ક્યારેય તેનો લાભ મેળવી શક્યા નહીં.’
IIM લખનૌમાં ગૌતમ અદાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે દીપ પ્રગટાવીને સમારોહની શરૂઆત કરી હતી. IIM ડિરેક્ટરે સ્વાગત પ્રવચન આપીને અને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી, ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને તેમને ગુરુ મંત્ર આપ્યા અને આજના પડકારોનો સામનો કરવા માટે ટિપ્સ પણ આપી.


