અમદાવાદ: વિશ્વની અગ્રણી સ્વતંત્ર બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી ‘બ્રાન્ડ ફાઇનાન્સ’ દ્વારા જાહેર કરાયેલા “બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100 રિપોર્ટ 2026” માં અદાણી ગ્રુપે પ્રથમ વખત ભારતના ટોપ-10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે અદાણી પાવરને દેશની નં. 1 એનર્જી બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. અદાણી ગ્રુપ ગયા વર્ષના 13મા ક્રમેથી છલાંગ લગાવીને 8મા ક્રમે પહોંચ્યું છે, અને માત્ર ત્રણ વર્ષમાં ભારતના ટોપ-10 માં પ્રવેશનારી સૌથી ઝડપી કંપની બની છે.
બ્રાન્ડ ફાઇનાન્સના મૂલ્યાંકન અનુસાર, અદાણી ગ્રુપની બ્રાન્ડ વેલ્યુ ગત વર્ષના $6.46 અબજથી વધીને $8.48 અબજ (અદાણી વિલ્મર અને સંકળાયેલી કન્ઝ્યુમર બ્રાન્ડ્સના આશરે $500 મિલિયન બાદ કરતાં) થઈ છે. આ 31.3 ટકાનો ઉછાળો ભારતના ટોપ-20 બ્રાન્ડ્સમાં સૌથી વધુ છે, જે અદાણી ગ્રુપને દેશનું ત્રીજું સૌથી મોટું મૂલ્યવાન કન્ગ્લોમરેટ બનાવે છે. ગ્રુપે ભારતના ટોપ-25 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં ત્રણ વર્ષમાં સૌથી મોટો ગ્રોથ નોંધાવ્યો છે અને 15 સ્થાનની પ્રગતિ કરી છે. માત્ર છેલ્લા એક વર્ષમાં જ ગ્રુપે તેની બ્રાન્ડ વેલ્યુમાં $2.02 અબજનો ઉમેરો કર્યો છે, જે વર્ષ 2022 માં તેની કુલ વેલ્યુએશન કરતાં પણ વધુ છે.
અદાણી પાવર ભારતની સૌથી મૂલ્યવાન એનર્જી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે, જેની બ્રાન્ડ વેલ્યુ 152 ટકાના તોતિંગ ઉછાળા સાથે $1.8 અબજ થઈ છે. આ સેક્ટરમાં ગ્રુપના નેતૃત્વને વધુ મજબૂત કરતા, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સ પણ ભારતના ટોપ-5 એનર્જી બ્રાન્ડ્સમાં સ્થાન પામ્યા છે, જ્યારે અદાણી ટોટલ ગેસ રેન્કિંગમાં ગ્રુપની હાજરીને વધુ મજબૂત બનાવે છે.
બ્રાન્ડ ફાઇનાન્સના એશિયા પેસિફિકના મેનેજિંગ ડિરેક્ટર એલેક્સ હેગે જણાવ્યું હતું કે, “ભારતની ટોપ-10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં અદાણી ગ્રુપનો પ્રવેશ એ વ્યવસાયની મજબૂતી દર્શાવે છે, જે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને એનર્જી ક્ષેત્રે તેની વિસ્તરતી હાજરી દ્વારા, ગ્રુપે દેશની સૌથી મહત્વપૂર્ણ આર્થિક પ્રાથમિકતાઓને ટેકો આપતી બ્રાન્ડ્સનો એક શક્તિશાળી પોર્ટફોલિયો બનાવ્યો છે.”
અદાણી ગ્રુપના વધતા બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) પર રિપોર્ટમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેનો સ્કોર 3.6 પોઈન્ટ વધીને 84 થયો છે, જે ગ્રુપને આઠ સ્થાનના ફાયદા સાથે 18મા ક્રમે લાવે છે. ભારતના ટોપ-20 કંપનીઓમાં, ગ્રુપે બ્રાન્ડ સ્ટ્રેન્થમાં સૌથી ઝડપી અગ્રતા નોંધાવી છે, જે આ વૈવિધ્યસભર કન્ગ્લોમરેટને ભારતના સૌથી સ્થાપિત કન્ઝ્યુમર અને રિટેલ બ્રાન્ડ્સની હરોળમાં મૂકે છે. આ ગ્રોથ ગ્રાહકો અને હિસ્સેદારોમાં વધતી ઓળખ, વિશ્વાસ અને આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે.
આ રેન્કિંગ બ્રાન્ડ ફાઇનાન્સની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પદ્ધતિ પર આધારિત છે, જે લાંબા ગાળાના બ્રાન્ડ મૂલ્યનું મૂલ્યાંકન કરવા માટે ગ્રાહકોની ધારણા (Consumer Perception), બ્રાન્ડ પ્રભાવ (Brand Impact) અને અંદાજિત આવક (Forecast Revenues) ને જોડે છે.
“બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100 રિપોર્ટ 2026” માં ભારતની 100 અગ્રણી બ્રાન્ડ્સનું કુલ મૂલ્ય રેકોર્ડ $252.8 અબજ આંકવામાં આવ્યું છે, જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશનમાં સતત રોકાણ દ્વારા સમર્થિત છે. આ સમગ્ર ચિત્રમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને લોજિસ્ટિક્સમાં સતત વિસ્તરણને કારણે અદાણી ગ્રુપ આ વર્ષના સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગ્રુપ તરીકે ઉભરી આવ્યું છે.


