ઈન્ટરનેટ પર કોઈપણ વેબસાઈટને ખોલવી હોય ત્યારે આપણે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ. કમ્પ્યૂટર કે મોબાઈલમાં પ્રસ્થાપિત કરેલ વેબ બ્રાઉઝરને ખોલીએ છીએ અને ત્યારબાદ જે વેબસાઈટ પર જવું હોય અથવા વેબસાઈટને ખોલવી હોય તેનું નામ વેબબ્રાઉઝરના એડ્રેસ બારમાં અથવા યુ.આર.એલ. બારમાં ટાઇપ કરવું પડે છે પરંતુ સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે દુનિયાનું કોઈપણ કમ્પ્યૂટર કે લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલ શાબ્દિક રીતે લખવામાં આવતા ડોમેન નામને સમજી શકતું નથી. તેના બદલે તે બધાં ડિવાઈસ ડોમેન નામને એક પ્રકારના અજોડ નંબરોથી ઓળખે છે.
કમ્પ્યૂટર આપણા દ્વારા દાખલ કરવામાં આવેલી કોઈ પણ વેબસાઈટનું નામ કેવી રીતે સમજી શકે અને તે વેબસાઈટ બ્રાઉઝરના માધ્યમ થકી આપણી સામે કેવી રીતે પ્રદર્શિત થાય છે તે સમગ્ર પ્રક્રિયા માત્ર ને માત્ર ડી. એન. એસ. (DNS) પ્રક્રિયા દ્વારા જ પૂર્ણ થાય છે. તો આ લેખ થકી આપણે ડોમેઈન નેમ સિસ્ટમ એટલે શું તે બાબતને જાણીશું.
ડોમેઈન નેમ સિસ્ટમ એટલે શું?
ડોમેઈન નેમ સિસ્ટમને આપણે ડી. એન. એસ. (DNS) ના નામથી પણ ઓળખીએ છીએ અને તેનું મુખ્ય કાર્ય ડોમેન નામને ‘આઈ પી’ સરનામામાં રૂપાંતરિત કરવાનું છે. તમે તેને ઇન્ટરનેટની ફોનબુક પણ કહી શકો છો. તમે એ બાબતને જાણો છો કે કમ્યુટર કોઈ શાબ્દિક નામને સમજી શકતું નથી, પણ તે માત્ર નંબરને એટલે કે ‘આઈ પી’ સરનામાને જે સમજે છે, તેથી જયારે પણ આપણે ઇન્ટરનેટ પર કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે ડોમેઈન નામ દાખલ કરીએ, તો તે ‘ડી. એન. એસ.’ ડોમેઈન નામનું “આઈ પી” સરનામામાં રૂપાંતર કરે છે. જેથી કમ્પ્યુટર તેને સરળતાથી સમજી શકે અને તે માહિતી કે વેબસાઇટ જે આપણે ખોલવા માંગીએ છીએ તેને આપણી સામે પ્રદર્શિત કરી શકે. ટૂંકમાં સમજીએ તો જેમ આપને મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર સેવ કરીએ છે તેવું જ છે.
ડોમેઈન નેમ સિસ્ટમની જરૂર કેમ છે?
એક ઈન્ટરનેટ યૂઝર દ્વારા એક વર્ષમાં સરેરાશ 500થી વધુ વેબસાઈટની મુલાકાત લેવાય છે. જ્યારે રેગ્યુલર ઈન્ટરનેટ યૂઝર દ્વારા ઈન્ટરનેટ પર 1000થી વધુ વેબસાઇટ્સ વર્ષ દરમ્યાન એક્સેસ કરવામાં આવે છે. હવે એ કલ્પના કરો કે જો યૂઝરને તે બધી જ વેબસાઈટના ‘આઈપી એડ્રેસ યાદ રાખવાં પડે તો તે ઈન્ટરનેટ યૂઝર માટે મુશ્કેલ કાર્ય બની જાય છે. તો આવી પરિસ્થિતિમાં ‘ડોમેઈન નેમ સિસ્ટમ’ આ કામને સરળ બનાવે છે, જેથી કરીને આપણે ફક્ત વેબસાઈટના નામને જ યાદ રાખવાનું થાય છે. વેબ બ્રાઉઝર પર તે નામ ટાઈપ કરતાંની સાથે જ જરૂરી માહિતી આપણી સામે સ્ક્રીન પર આવી જાય છે.
આ સિસ્ટમની ટાઈમ લાઈનનો વિકાસ કેવી રીતે થયો?
ડી. એન. એસ.ની કામગીરી વિશે આપણે માહિતી મેળવી છે અને એમાં એ પણ જાણ્યું કે ડી. એન. એસ. દ્વારા ડોમેઈન નામને ‘આઈ પી” સરનામામાં કેવી રીતે રૂપાંતરિત થાય છે. પરંતુ ઇન્ટરનેટના શરૂઆતના દિવસોમાં એવું ન હતું. એટલે કે જયારે ઇન્ટરનેટ ખૂબ મર્યાદિત હતું અને મર્યાદિત યૂઝર અને મર્યાદિત સંખ્યામાં વેબસાઇટો આખા સાઈબર વિશ્વમાં ઉપલબ્ધ હતી ત્યારે વેબસાઈટ માત્ર તેના ‘આઈપી એડ્રેસથી’ ઓળખવામાં આવતી હતી. એટલે કે દરેક વેબસાઈટને એક્સેસ કરવા માટે જે તે યુઝરે તેનું ‘આઈપી એડ્રેસ’ જ ફરજિયાતપણે યાદ રાખવું પડતું હતું. પછી સમય જતાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા યુઝરોની સંખ્યા અને સાથે સાથે વિવિધ પ્રકારની વેબસાઈટોની સંખ્યા પણ વધી. પરિણામે દરેક યૂઝરને બધી જ વેબસાઈટના ‘આઈ પી એડ્રેસ’ યાદ રાખવાનું શક્ય બનતું ન હતું. તે સમયે ‘આઈ પી એડ્રેસ’ યાદ રાખવાનું એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી હતી. પછી 1980ના દાયકામાં અમેરિકાના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ‘પોલ મોકાપેટ્રીસે’ દરેક યૂઝર માટે વેબસાઈટના એક્સેસને યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે ડોમેઈન નેમ સર્વર ની શોધ કરી. ત્યારબાદ યૂઝરને વેબસાઈટ માટેના ‘આઈ પી એડ્રેસ ‘ને યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી. અને ફક્ત વેબસાઈટ માટેના નામને જ યાદ રાખવાની પ્રથા શરૂ થઈ. આ રીતે ડોમેઈન તેમ સર્વરની શોધ થઈ હતી. જેનો આજે આપણે બધા જ વૈશ્વિક યુઝર સારો લાભ લઈ રહ્યા છીએ. તે આજના સમયમાં તો આશીવાંદ રૂપ છે જ અને આવનારી દરેક પેઢીઓ માટે પણ તે ચોક્કસપણે આશીર્વાદ રૂપ બનશે.


