ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવતીના બોયફ્રેન્ડ મોહિત ઉર્ફે મિત્રરાજ મકવાણા અને તેના મિત્ર હાર્દિક રબારી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મોહિતની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધ ચાલી રહી છે.
યુવતી બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતી
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતી અને મોહિત છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. આ દરમિયાન બંને વચ્ચેના અંગત પળોના ન્યૂડ વીડિયો અને ફોટોઝ બનાવવામાં આવ્યા હતા. બાદમાં મોહિતે આ વીડિયો તેના મિત્ર હાર્દિકને આપ્યો હતો. થોડા દિવસો પહેલા હાર્દિકે યુવતીને ફોન કરીને ધમકી આપી હતી કે આ વીડિયો તેની પાસે છે અને વૈષ્ણોદેવી સર્કલ નજીક એક હોટલ પાસે મળવા કહ્યું હતું.
વીડિયો ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડર દૂર થયો નહીં
ડરના કારણે યુવતીએ મોહિતનો સંપર્ક કર્યો અને તેને વીડિયો ડિલીટ કરવા કહ્યું. મોહિતે પહેલા ના પાડી, પછી યુવતીએ સોલા પોલીસની મદદ લીધી અને પોલીસની હાજરીમાં મોહિતના મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરી દીધો. તે સમયે યુવતી અને મોહિત વચ્ચે સમાધાન થયું હતું, આથી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
જોકે, વીડિયો ડિલીટ થયા બાદ પણ યુવતીને ડર સતાવતો હતો કે આ વીડિયો હાર્દિકના કે અન્ય કોઈના ફોનમાં હોઈ શકે છે. આ ડર અને માનસિક દબાણના કારણે 4 જુલાઈના રોજ સવારે 6:30 કલાકે ચાંદખેડામાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગના 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
તેણે તેની ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા અને ઘરેણાં પણ લીધા હતા
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મોહિતે અગાઉ યુવતી પાસેથી 6,000 રૂપિયા લીધા હતા અને તેની સોનાની ચેઇન જામીન તરીકે રાખી હતી. મોહિતે દાવો કર્યો છે કે હાર્દિકે તેના ફોનમાંથી વીડિયો ક્યારે અને કેવી રીતે લીધો તેની તેને કોઈ જાણકારી નથી. હાલ પોલીસ આ મામલે ઉંડી તપાસ કરી રહી છે.


