દેશની ટેલિકોમ કંપનીઓ સ્ટારલિંક (Starlink)ના ભારતમાં પ્રવેશ અંગે ચિંતિત છે. જિયો અને એરટેલે પણ ટેલિકોમ્યુનિકેશન વિભાગ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ એવું લાગે છે કે તેમની ચિંતાનો કોઈ ઉકેલ નથી. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એલોન મસ્કનું સેટેલાઇટ (Elon musk satelight) ઇન્ટરનેટ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થવાનું છે.
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, “સ્ટારલિંક સેટેલાઇટ કનેક્ટિવિટી ટેલિકોમ ગુલદસ્તામાં બીજા ફૂલ જેવી છે. મોબાઇલ કનેક્ટિવિટીની સાથે, અમારી પાસે ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી પણ છે, પરંતુ દૂરના વિસ્તારોમાં જ્યાં વાયર્ડ કનેક્શન સરળતાથી પહોંચી શકતા નથી ત્યાં સેટેલાઇટ કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
તેમણે વધુમાં કહ્યું, “આગામી દિવસોમાં ત્રીજું લાઇસન્સ આપવામાં આવશે. પહેલું લાઇસન્સ વનવેબને આપવામાં આવ્યું હતું, બીજું રિલાયન્સને આપવામાં આવ્યું છે અને ત્રીજું લાઇસન્સ સ્ટારલિંકને આપવામાં આવી રહ્યું છે. આ પછી, સરકાર સ્પેક્ટ્રમ આપશે અને આ સેવા દેશમાં ટૂંક સમયમાં શરૂ થશે.”


