ગુજરાત એ દેશના સમૃદ્ધ રાજયોમાં અવલ્લ નંબરે છે અને તે સમૃદ્ધિ હવે ઓટો કંપનીઓ માટે એક મોટી માર્કેટ બની રહી છે. એક સમયે સરકારી એમ્બેસેડર કે પછી ધનીકોની પદ્મીની પ્રિમીયમ પણ આકર્ષણ બની જતી હતી પણ આજે એકથી એક વૈભવી કાર ગુજરાતના માર્ગો પર દોડે છે અને કાર એક વખત લકઝરી ગણાતી હતી તે આજે આવશ્યકતા બની ગઈ છે.
જો તેઓ ભૂતકાળ તપાસો તો રાજયમાં દર એક લાખની વસ્તીએ 425 કાર 1989-90માં હતી અને 3419 ટુ વ્હીલર હતા. આજે દર એક લાખની વસતીએ 6318 લોકો પાસે કાર છે એટલે કે દર 16માંથી એક વ્યક્તિ કારનો માલીક છે અને જે દર્શાવે છે કે ગુજરાતમાં કાર ધારકોની સંખ્યા બે દશકાથી થોડા વધુ સમયમાં 200% વધી છે.
આ માટે ઓટો ઉદ્યોગ કહે છે કે, લોકોની નાણાકીય સદ્ધરતા વધી છે તથા અપેક્ષા અને જરૂરિયાત પણ વધી છે. આજે ગુજરાતમાં દર ત્રીજો વ્યક્તિ ટુવ્હીલર ધરાવે છે જે પણ પરિવાર દીઠ બે-ત્રણ ટુ વ્હીલર હોય તે અત્યંત સામાન્ય બની ગયુ છે.
ઓટો ક્ષેત્રમાં વધુને વધુ કંપનીઓ આવી છે અને વધુ બહેતર ટેકનોલોજીથી હવે ડ્રાઈવીંગ પણ સરળ બની ગયુ છે તો બીજી બાજુ લોકોની આવક વધી છે જેના કારણે તેઓની લોન માટેની પાત્રતા પણ વધી છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પણ હવે વધુ સરળ રીતે વાહન સામે ધિરાણ આપવા લાગ્યા છે.
સતત વાહન ખરીદી જ નહી લોકોની રોકાણ ક્ષમતા પણ વધી છે તે મ્યુચ્યુઅલ ફંડથી શેરબજાર અને અન્ય રોકાણો દર્શાવે છે તો લોકો હવે રોજબરોજથી જીંદગીમાં પણ ખર્ચ વધારવા લાગ્યા છે અને હવે સમાજમાં એક વિશાળ વર્ગ પણ એવો થયો છે જેના ઘરે એકથી વધુ કાર પાર્ક થઈ હોય છે તે રાજયો નાના શહેરોમાં પણ જોવા મળી રહ્યા છે.
ગ્રામીણ ક્ષેત્રમાં કારથી લઈને એસયુવી અને મલ્ટી યુટીલીટી વ્હીકલ પણ જોવા મળે છે અને છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામીણ ક્ષેત્રમાં પણ કાર-ટુવ્હીલરનું પ્રમાણ વધ્યુ છે અને ગ્રામીણ લોકો પણ વાહન ખરીદીમાં શહેરી લોકો જેમ પસંદગીના વાહન ખરીદતા ખચકાતા નથી. હવે ગ્રામીણ આવક ફકત કૃષી જ નહી અનેક રીતે વધી રહી છે.
જો કે વધતા જતા વાહનો સામે ટ્રાફીક નિષ્ણાંતો લાલબતી ધરે છે અને પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઘટતો ઉપયોગ અથવા છેલ્લા વિકાસ તરીકે ઉપયોગ એ પર્યાવરણ માર્ગ અકસ્માત અને ઈંધણ વપરાશ આ તમામ મોરચે મોટી અસર કરે છે. પાર્કીંગની સમસ્યા, માર્ગો પર વધતી ભીડ આ તમામને કાર-ટુ વ્હીલરના વધતા જતા પ્રમાણ સાથે એડ્રેસ કરી શકાયા નથી.