ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગૃહનિર્માણથી પણ આગળ વધીને સાતત્યપૂર્ણ નાણાકીય ભવિષ્ય પ્રદાન કરે છે, પ્રોજેક્ટ ફક્ત ધારાવીકરોને જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોનો પણ વિકાસ થાય તે રીતે તૈયાર કરાયો છે
મુંબઈ: કલ્પના કરો કે તમે નવાનક્કોર ઘરમાં રહેવા જઈ રહ્યા છો, જે આધુનિક માળખાકીય સુવિધાઓ અને સવલતોથી સજ્જ છે અને આવતાં 10 વર્ષ સુધી તમારે મેઇન્ટેનન્સ ચાર્જીસ (જાળવણી ખર્ચ) વિશે જરાયે ચિંતા કરવાની નથી. ગૃહનિર્માણથી આગળ વધીને પોતાના રહેવાસીઓ માટે આર્થિક રીતે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરતી હોય તેવી એક પહેલ – ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આ વચન છે.
ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ અનોખો છે કારણ કે રહેવાસીઓ પર કોઈ નાણાકીય બોજ નહીં પડે. રાજ્ય સરકારે ધારાવીના પાત્ર રહેવાસીઓને મફત આવાસ આપવાનો નિર્ણય લીધો છે. વધુમાં, સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અથવા ભાડા-ખરીદી યોજના (હાયર-પરચેઝ સ્કીમ) દ્વારા અપાત્ર રહેવાસીઓને સસ્તા આવાસ આપવા માટે પ્રતિબદ્ધ છે – આ બધું સૌથી સસ્તા (પરવડે તેવા) દરે ધારાવીકરોને મહત્તમ લાભો મળી રહે એ રીતે આયોજિત કરાયું છે.
વધુમાં, સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે, રહેવાસીઓને પ્રથમ 10 વર્ષ માટે ઇલેક્ટ્રોમિકેનિકલ જાળવણી ખર્ચ ચૂકવવા પડશે નહીં. આ સમયગાળા દરમિયાન, ડેવલપર સોસાયટીઓની જાળવણીની સંપૂર્ણ જવાબદારી લેશે. ઉપરાંત, રાજ્ય સરકારે પુનર્વસન ઘટકના બિલ્ટ-અપ વિસ્તારના 10% ભાગ કોમર્શિયલ સ્પેસ માટે ફાળવવાની યોજના બનાવી છે, જેનાથી આવક ઉપાર્જન કરતું મોડેલ બનશે.
ભારતમાં સહકારી સોસાયટીઓ માટે સોસાયટીઓની જાળવણી માટે માલિકો અને સભ્યો પાસેથી ચોક્કસ સેવા ચાર્જ વસૂલવો સામાન્ય છે. MHADA ઇમારતોમાં પણ આ જ રીતે અનુસરવામાં આવે છે. જોકે, ધારાવીકર માટે, જાળવણી લગભગ જીવનભર મફત થઈ જશે. પ્રથમ 10 વર્ષ કોઈ જાળવણી ખર્ચ રહેવાસીએ ચૂકવવાનો નથી અને વાણિજ્યિક જગ્યાના 10% મુદ્રીકરણમાંથી મળેલી આવક લાંબા ગાળે તેમના જાળવણી ખર્ચને આવરી શકે છે. આ ઉપરાંત, ડેવલપર દ્વારા પ્રતિ આવાસ વૈધાનિક કોર્પસ ફંડ સક્ષમ અધિકારીને જમા કરવામાં આવશે.
આ નવીન અભિગમથી ધારાવીકર માત્ર વધુ સારા ઘરોનો આનંદ માણશે એટલું જ નહીં પરંતુ આયોજનબદ્ધ, ટકાઉ સમુદાયોમાં ચિંતામુક્ત જીવનશૈલીનો પણ આનંદ માણે, તે સુનિશ્ચિત થશે,” એમ DRP-SRA અધિકારીએ જણાવ્યું હતું. રહેવાસીઓને 24/7 પાણી અને વીજળી, ખાનગી શૌચાલય અને રસોડાઓનો લાભ મળશે – જે તેમની વર્તમાન પરિસ્થિતિઓથી નોંધપાત્ર સુધારો દર્શાવે છે. વર્ષ ૨૦૦૦ પહેલાં સ્થાયી થયેલા લોકોને ૩૫૦ ચોરસ ફૂટના ઘરો મળશે, જે અન્ય ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ્સમાં ઓફર કરાયેલાં ઘરો કરતાં ૧૭% મોટાં છે.
પરંતુ ફાયદા હજુ આટલા જ નથી. DRP-SRA અધિકારી જણાવે છે કે “આ પ્રોજેક્ટ ફક્ત ધારાવી જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના ઉત્થાન માટે હાથ ધરાયો છે. ધારાવીમાં ઘરો માટે અપાત્ર રહેવાસીઓને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં વધારાના લેન્ડ પાર્સલ્સ (જમીન ભાગો)માં પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ નવાં ટાઉનશીપ શાળાઓ, હોસ્પિટલો, શોપિંંગ સેન્ટરો અને અન્ય આવશ્યક સુવિધાઓથી સજ્જ હશે, જે આસપાસના વિસ્તારોમાં પણ જીવનની ગુણવત્તામાં વધારો કરશે.”
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ૨૦૨૨ના ટેન્ડરમાં નાણાકીય અને માળખાગત ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને અગાઉના વિકાસ પ્રયાસોની ખામીઓને દૂર કરવામાં આવી છે. હાલના ટેન્ડરમાં ઉપરના માળના રહેવાસીઓ માટે પણ જોગવાઈ છે જેમને સામાન્ય રીતે ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ્સ માટે ધ્યાનમાં લેવામાં આવતા નથી. આમ, અનેક રીતે, આ રિડેવલપમેન્ટ ફક્ત રહેઠાણ પૂરતું જ નથી, તે સમાવિષ્ટ, આધુનિક સમુદાયો બનાવવા વિશે છે. તે ફક્ત ધારાવીકરોની સુખાકારીને પ્રાથમિકતા આપતું નથી, પરંતુ નવા ટાઉનશીપની આસપાસના, પડોશના દરેક વિસ્તારોને પ્રેરિત લાભ પણ પ્રદાન કરે છે. આ પ્રોજેક્ટ માનવ-કેન્દ્રિત શહેરી પરિવર્તન માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે.