મહાકુંભ 2025નો આજથી આરંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ભાવિકોની ભારે ભીડ કુંભ સ્નાન સ્થળે થઈ હતી. શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સામે સંગમ સ્થળે ગાઢ ઘુમ્મસ અને કડકડતી ઠંડીની જાણે કોઈ અસર ન થઈ હોય તેમ લાખો શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. કુંભમેળામાં 183 દેશોના વિદેશી શ્રદ્ધાળુઓ પણ ડૂબકી લગાવી હતી.
ગાઢ ઘુમ્મસ અને કાતિલ ઠંડી શ્રદ્ધા સામે ઝુકી: કુંભમેળાના પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. કયાય તલ રાખવાની પણ જગ્યા નહોતી. મધરાતથી જ પોષી પૂર્ણિમાની પ્રથમ ડૂબકીનો શુભારંભ થઈ ગયો હતો. આ સાથે જ સંગમનીરેતી પર જપ, તપ અને ધ્યાનની વેદીઓની સજાવટ કરી માસ પર્યંત યજ્ઞ-અનુષ્ઠાનોની સાથે સાથે કલ્પવાસનો પણ આરંભ થઈ ગયો હતો.
183 દેશોના લોકો આવવાની આશા: કુંભમેળાનો આજથી આરંભ થઈ ગયો છે ત્યારે દેશ-વિદેશમાં લોકપ્રિય મહાકુંભમાં આ વખતે 183 દેશોના લોકો કુંભ સ્નાનમાં ડૂબકી લગાવે તેવી આશા છે. આ વિદેશી મહેમાનોના આતિથ્ય અને સ્વાગત માટે યોગી આદિત્યનાથની સરકારે ભવ્ય તૈયારીઓ કરી છે.
પહેલીવાર 10 લાખ વર્ગ ફીટમાં દીવાલો પેઈન્ટ કરાઈ: યુનેસ્કોની વિશ્ર્વ ધરોહર યાદીમાં નોંધાયેલ મહાકુંભને કેન્દ્ર અને રાજયની સરકારો વિશ્ર્વ સમુદાય સમક્ષ અદભૂત રૂપે રજુ કરવા ઈચ્છી રહી છે. મેળા ક્ષેત્રમા રોજના 800થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પહેલીવાર 10 લાખ વર્ગ ફીટમાં દીવાલો પેઈન્ટ કરવામાં આવી છે. કુંભનગરીમાં સૌથી વધુ ફોકસ સેકટર-18 પર રાખવામાં આવ્યું છે.
અહીં વીઆઈપી ગેટ પણ બનાવવામાં આવ્યો છે. આ પોઈન્ટ પર 72 દેશોના ધ્વજ લાગ્યા છે. જેમના પ્રતિનિધિઓ પણ સામેલ થવા માટે આવી રહ્યા છે. જયારે ખુદ મુખ્યમંત્રી યોગી તેની આગેવાનીની તૈયારી કરી રાખી છે.
દરેક સેકટરમાં પોલીસ સ્ટેશન: સુરક્ષા વ્યવસ્થાના સજજડ બંદોબસ્ત માટે કુંભનગરીના દરેક સ્ટેશન પર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. સાથે જ ફાયરબ્રિગેડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. કુંભનગરીમાં 56 અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવાયા છે અને 37 હજાર પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. તેમને દરેક પ્રકારની ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવાની તાલીમ આપવામાં આવી છે.
કુંભમેળામાં ભારે ભીડમાં કોઈના ખોવાઈ જવાની બાબત સામાન્ય છે. આ સમસ્યાના સામના માટે પણ ખાસ તૈયારી કરાઈ છે. આ વખતે શ્રદ્ધાળુઓની મદદ માટે 15 લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
2013માં હતી આટલી વ્યવસ્થા: ઉલ્લેખનીય છે કે 12 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભ યોજાયો છે. 2013માં કુંભમેળા માટે 1214 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યુ હતુ અને 160 કિલોમીટર લાંબી સડકોનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. સ્વચ્છતા માટે 35 હજાર શૌચાલયોનું નિર્માણ કરાયુ હતું. આંકડા મુજબ 2013ના કુંભમેળામાં 70 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા પણ આ વખતે 45 કરોડ શ્રદ્ધાળુઓ આવવાનું અનુમાન છે.