બનાસકાંઠા : ડીસા પાલિકામાં ચિફ ઓફિસરની ચેમ્બરમાં થયો વિવાદ
કામ કર્યા વગર જ બિલોનું ચુકવણું કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ
ચીફ ઓફિસરની સામે જ એન્જીનીયર અને ચેરમેન વચ્ચે તું તું મે મેં
ડીસાઃ નગરપાલિકામાં પાણી પુરવઠા ચેરમેને પાણી પુરવઠા એન્જીનીયર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કામ કર્યા વગર જ બિલોનું ચુકવણું કરવામાં આવતું હોવાનો તેમજ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ખુદ ચેરમેને ચીફ ઓફિસરની હાજરીમાં જ કરતા ચેરમેન અને એન્જીનીયર વચ્ચે તું તું મેં મેં થવા પામી હતી.
સતત વિવાદોમાં રહેતી ડીસા નગરપાલિકામાં વધુ એક વિવાદ સપાટી પર આવ્યો છે. જેમાં ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન પીન્કેશભાઈ દોશીએ ખુદ તેમની જ શાખા ના એન્જિનિયર એસ. કે. જાદવ સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરતા પાલિકા વર્તુળમાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશી એ છેલ્લા ઘણા સમયથી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી મળતું ન હોવાની તેમજ પોતે સૂચવેલા કામો પાણી પુરવઠા એન્જીનીયર એસ. કે. જાદવ દ્વારા કરવામાં ન આવતા હોવાની ફરિયાદ ચીફ ઓફિસર સમક્ષ કરી હતી. જેથી ચીફ ઓફિસરે પાણી પુરવઠા એન્જીનીયરને પોતાની ચેમ્બરમાં બોલાવતા ચેરમેને ચીફ ઓફિસરની સામે જ આ એન્જિનિયર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ ડીસાની સોમનાથ સોસાયટી સહિત અન્ય જગ્યાએ વોટર વર્કસ ના કામો કર્યા સિવાય જ બિલોના નાણાનું ચુકવણું કર્યું હોવાનું જણાવી તે અંગેની ફાઈલ રજૂ કરવા જણાવ્યું હતું.
પાણી પુરવઠા એન્જિનિયર એસ. કે. જાદવ છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકામાં બાંધકામ એન્જિનિયર ન હોય તેનો ચાર્જ પણ પોતે સંભાળી રહ્યા છે. જેથી તેઓ વોટર વર્કસ તેમજ બાંધકામ શાખામાં પૂરતો સમય આપી શકતા ન હોય ચેરમેને તેઓને ગમે તે એક ચાર્જ છોડી દેવા જણાવ્યું હતુ. જોકે પાણી પુરવઠા એન્જિનિયર એસ. કે. જાદવે પોતાની સામેના તમામ આક્ષેપો ફગાવ્યા હતા. જેથી ચેરમેન અને એન્જિનિયર વચ્ચે ચીફ ઓફિસરની સામે જ તું તું મેં મેં થવા પામ્યું હતું.
આ બાબતે ચેરમેન પીન્કેશ દોશી એ જણાવ્યું હતું કે મેં જ્યારથી ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે નો ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓને લોકોની સમસ્યાઓ લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરી હોવા છતાં તેઓ કોઈ કામ કરતા નથી. જ્યારે પાણી પુરવઠા વિભાગના તમામ કામોમાં મોટાપાયે ગેરરીતી કરી બેફામપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જે અંગે અમે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે.