લોટના વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે બુધવારે મોટું પગલું ઉઠાવ્યું છે, જે અંતર્ગત ઘઉંની સંગ્રહખોરી રોકવા માટે તેની સ્ટોરેજ સીમા ફરી એકવાર ઘટાડી દીધી છે આ નિર્ણય માર્ચ 2025 સુધી લાગુ રહેશે.
ખાદ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે નવી સીમા બધા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના હોલસેલ વિક્રેતાઓ નાના-મોટા છુટક વેપારીએ અને પ્રોસેસ કરનારાઓને લાગુ પડશે. સરકારે આ પગલું ખાદ્ય સુરક્ષા જાળવી રાખવા, ઘઉંનો પુરવઠો વધારવા અને સંઘરાખોરી રોકવા લીધું છે. આ પહેલા સરકારે 24 જૂનના સ્ટોરેજ સીમા નકકી કરી હતી. ત્યારબાદ 9 સપ્ટેમ્બરે પણ તેમાં ફેરફાર કર્યો હતો.
હવે નવી સીમા: નિયમ મુજબ હોલસેલ વિક્રેતા હવે 2000 ટનની જગ્યાએ 1000 ટન ઘઉં રાખી શકશે. આ રીતે રીટેલ વેપારી 10 ટનના બદલે 5 ટકા ઘઉં રાખી શકશે. જયારે મોટી ચેનના રિટેલ વેપારી 10 ટનની જગ્યાએ હવે 5 ટન જ ઘઉં રાખી શકશે.ખાદ્ય ઉત્પાદનોની પ્રક્રિયા કરનારા હવે પોતાની ક્ષમતાના 50 ટકા ઘઉં રાખી શકશે. જયારે અગાઉ આ સીમા 60 ટકા હતી.
બફર સ્ટોકમાં પણ 25 લાખ ટન ઘઉં બચશે: સરકાર 31 માર્ચ 2025 સુધી એફસીઆઈથી પોતાના બફર સ્ટોકમાં આટા મિલર્સ જેવા જથ્થાબંધ ખરીદ કરનારાઓને ખુલ્લા બજારમાં 25 લાખ ટન ઘઉં વેચશે. આ પગલાનો ઉદેશ કિમતોમાં વધારાની કોઈપણ સંભાવનાને રોકવાનો છે.
સરકારના આ નિર્ણયથી બજારમાં ઘઉંનો પુરવઠો વધશે એથી કિંમત પણ નિયંત્રણમાં રહેશે. હાલ રિટેલ બજારમાં ખુલ્લો લોટ 40થી45 રૂપિયે કિલોના ભાવે વેચાય છે.