વડોદરા-જરોદ રોડ પર આવેલા કોટંબી ગામ પાસે વહેલી સવારે એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક લક્ઝરી બસ આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે 6 મુસાફરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 26 ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ ટ્રક સાથે કચડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, NDRF ટીમ, જરોદ પોલીસ સાથે મળીને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. વહેલી સવારે થયેલા આ ભયાનક અકસ્માતને કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. જરોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને તપાસ શરૂ કરી છે.
બસ બાંસવાડાથી સુરત જઈ રહી હતી
અહેવાલ દર્શાવે છે કે બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહી હતી. ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ, જેના કારણે બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ એક ઉભા ટ્રક સાથે અથડાઈ ગઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડી અને મદદ માટે બૂમો પડી ગઈ; સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને બચાવ કાર્ય શરૂ કર્યું.
અકસ્માત બાદ અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, જેમને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતને કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.


