જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના (Major accident in Jammu and Kashmir) ઘટી છે. અહીં એક ટેમ્પો ટ્રાવેલર ઊંડી ખાઈમાં પડી ગયો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 19 મુસાફરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના પોંડા વિસ્તારમાં મંગળવારે સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો. મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અચાનક નિયંત્રણ ગુમાવી દેતો ઊંડી ખાઈમાં પડી ગયો. આ દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત અંગે કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ડોડા શહેરથી 20-25 કિમી દૂર ભરત ગામ પાસે એક ખાનગી ટેમ્પો સાથે થયેલા માર્ગ અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે કહ્યું, “તમામ શક્ય મદદ અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર વ્યક્તિગત રીતે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે અને મને નિયમિત અપડેટ્સ આપી રહ્યા છે.”


