શહેર અને ગામડામાં અનેક લોકોને પોપટ સહિતના કેટલાક વન્ય પક્ષીઓ પાળવાનો શોખ હોય છે. જો કે ભારતીય પોપટ પાળવા ગુનો છે. તેને ઘરમાં રાખી શકતા નથી કે તેની ખરીદી પણ કરી શકતા નથી.
એટલુ જ નહીં પણ તેના પીછા કે પછી મૃત અવશેષની જાળવણી કરવી પણ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. જે માટે વન વિભાગ તરફથી પાછલા કેટલાક સમયથી ઘરમાં પાળવામાં આવી રહેલા પોપટ પકડવાની ઝુંબેશ ચાલી રહી હોય 37 જેટલા રેસ્કયુ કરાયેલા પોપટને ફરી આકાશમાં ઉડવા માટે સક્ષમ બનાવીને મુક્ત કરવામાં આવ્યા છે.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વન વિભાગ તરફથી રેસ્ક્યુ કરી પ્રયાસ સંસ્થાને સોંપવામાં આવેલા 37 પોપટને ફરી આકાશમાં વિહાર કરવા માટે સક્ષમ કરીને મુકત કરવામાં આવ્યા છે. વન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા મહત્તમ પહાડી પોપટ ગેરકાયદેસર રીતે લોકોએ ખરીદી કરી હતી. અને વેચનારે પોપટની પાંખ કાપી નાંખી પાંજરામાં કેદ કરી દીધા હોવાથી તેઓ ઉડવાનું જ ભુલી ચુક્યા હતા.
તેમ છતા તેમને ફરીથી ઉડતા શીખવવામાં આવ્યું હતુ અને પ્રયાસ સંસ્થા દ્વારા હાલ રેસ્કયુ કરાયેલા પોપટને રીહેબિલીટેડ કરીને એવા વાતાવરણમાં મુક્ત કરાયા હતા, કે જયાં તેઓ સ્વતંત્રતાની જિંદગી જીવી શકે. ઉલ્લેખનીય છે કે, ભારતીય પોપટ એટલે કે પહાડી પોપટ પાળવા ગુનો છે. લોકો તેને ઘરમાં રાખી શકતા નથી કે તેની ખરીદી પણ કરી શકતા નથી. તેના પીછાથી લઈને મૃત અવશેષ પણ વન વિભાગનાં હાથે લાગી જાય તો, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ તે દંડનીય અને બિનજામીનપાત્ર ગુનો બને છે. જેમાં અઢી વરસની જેલની સજા અને 25 હજારનો દંડ પણ થઈ શકે છે.