પહલગામની બસરન વેલીમાં નિર્દોપ હિન્દુ ટૂરિસ્ટો પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારતે કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટીની બેઠકમાં સિંધુ જળકરારને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી હતી. આ કરાર 1960ની 19 સપ્ટેમ્બરે કરાચીમાં થયો હતો અને એના પર તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા.
9 વર્ષની લાંબી વાતચીત અને ચર્ચા બાદ એના પર હસ્તાક્ષર થયા હતા. વર્લ્ડ બેન્ક પણ પણ એમાં મધ્યસ્થ છે. આ કરાર પાકિસ્તાનને વધારે ફાયદામંદ છે, કારણ કે એની શરતો અનુસાર એ સિંધુ નદીનું 80 ટકા જળ મેળવે છે અને ભારતને માત્ર 20 ટકા હિસ્સો મળે છે.
શું છે આ કરાર?
ભારત અને પાકિસ્તાનના વિભાજન બાદ સિંધુ નદીના પાણીના મુદ્દે બેઉ દેશો વચ્ચે વિવાદ થતા હતા, પણ 9 વર્ષની વાતચીત અને વિચારણા તથા વર્લ્ડ બેન્કની મધ્યસ્થી બાદ સિંધુ જળકરાર કરવામાં આવ્યા હતા. સિંધુ નદી પ્રણાલીમાં સિંધુ સાથે બીજી પાંચ સહાયક નદીઓ રાવી, બિયાસ, ઝેલમ, સતલજ અને ચિનાબનો સમાવેશ છે.
આ નદીઓના પાણીના ઉપયોગ મુદ્દે આ કરાર થયા છે. એમાં ત્રણ નદી સિંધુ, ચિનાબ અને ઝેલમને પશ્ચિમી નદીઓ માનીને એના પાણીનો ઉપયોગ કરવાની પાકિસ્તાનને છૂટ અપાઈ છે. રાવી, બિયાસ અને સતલજને પૂર્વની નદીઓ માનીને એના જળનો ઉપયોગ કરવાની ભારતને છૂટ છે. સિંધુ નદીના 80 ટકા પાણી પર પાકિસ્તાનનો અને 20 ટકા પાણી પર ભારતનો અધિકાર છે.
પાકિસ્તાનને શું નુકસાન થશે?
સિંચાઈને ખતરો : પાકિસ્તાનમાં 90 ટકા જમીન એટલે કે 4.7 કરોડ એકર જમીન પર લહેરાતા પાકને પાણી નહીં મળે, કારણ કે સિંધુ નદી પાકિસ્તાનની લાઇફલાઇન છે. ખેતીથી પાકિસ્તાનની રાષ્ટ્રિય આવકમાં 23 ટકાનું યોગદાન હોય છે અને એના પર અસર પડશે. 68 ટકા ગ્રામીણ જનતા ખેતી પર આશ્રિત છે એને અસર થશે.
ખાધ સુરક્ષાને ખતરો : પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં ખેતી સિંધુ નદીના પાણી પર નિર્ભર છે. સિંધુ નદીનો 93 ટકા હિસ્સો પાકિસ્તાન સિંચાઈ માટે વાપરે છે. પાણી નહીં મળે તો અનાજનું ઉત્પાદન ઘટી શકે છે અને ખાદ્ય સુરક્ષાને ખતરો પહોંચી શકે છે.
અંધારપટ છવાશે : પાકિસ્તાનના તારબેલા અને મંગલ હાઈડ્રો પાવર પ્રોજેક્ટને પણ અસર થશે. વીજળીના ઉત્પાદનમાં 30થી 50 ટકા કાપ મુકાશે.તેથી અનેક શહેરોમાં અંધારપટ છવાઈ જવાની આશંકા છે.
પીવાનું પાણી નહીં મળે : સિંધુ અને એની સહાયક નદીઓનાં પાણી શહેરો અને ગામીણ વિસ્તારોમાં પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. 21 કરોડ લોકોને પીવાના પાણીની સમસ્યા નડશે. કરાચી, લાહોર અને મુલતાન શહેરને પાણી નહીંમળે તો અશાંતિ ફેલાશે.
સિંધુ નદીના પાણીને રોકવા પર રોક
સિંધુ જળકરાર અનુસાર ભારત નદીનું પાણી ડેમ બનાવીને રોકી શકે એમ નથી. કરારની ’રન ઑફ ધ રિવર’ જોગવાઈ અનુસાર ભારત જળવિદ્યુત યોજના બનાવીને વીજળી પેદા કરી શકે, પણ પાણી રોકી શકે નહીં.
સિંધુ વોટર કમિશન
આ કરાર હેઠળ ભારત અને પાકિસ્તાને સ્થાયી કમિશનરોની નિયુક્તિ સાથે સિંધુ વોટર કમિશન બનાવ્યું છે. આ કમિશનની વર્ષમાં કમસે કમ એક વાર બેઠક મળવી જરૂરી છે. આની છેલ્લી બેઠક 2022ના મે મહિનામાં દિલ્હીમાં યોજાઈ હતી.
વિવાદ થાય તો ઉકેલ કેવી રીતે લાવવો?
કરારની શરતો મુજબ જો બે દેશો વચ્ચે વિવાદ થાય તો બેઉ દેશોએ સાથે બેસીને શાંતિપૂર્ણ રીતે એનો ઉકેલ લાવવાનો રહેશે. વિવાદનું નિરાકરણ આપસી વાતચીત દ્વારા લાવવાનું રહેશે. એમાં ઉકેલ ન આવે તો સિંધુ વોટર કમિશન પાસે જવાનું રહેશે.
જો કમિશન પણ ઉકેલ લાવી ન શકે તો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડવામાં આવશે અને કોર્ટનો નિર્ણય બેઉ પક્ષોએ સ્વીકારવો પડશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં 65 વર્ષમાં અને વાર યુદ્ધ થયાં છે, પણ કરાર સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. પહેલી વાર ભારત સરકારે આવું પગલું ભર્યું છે.
ભારત પાસેના વિકલ્પ
પાકિસ્તાન એમ માનતું હોય કે ભારતનો આ નિર્ણય એકતરફી છે અને એ કરારમાંથી બહાર નીકળી શકે એમ નથી તો એ ભૂલભરેલું છે. વિયેના કન્વેન્શન હેઠળ ભારત એ આધારે આ કરારમાંથી બહાર નીકળી શકે છે કે પાકિસ્તાન એની સામે આતંકવાદી ગ્રુપોનો ઉપયોગ કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ કોર્ટ પણ માને છે કે જો વર્તમાન પરિસ્થિતિમાં કોઈ બદલાવ નહીં થાય તો કરાર રદ કરી શકાય છે.
ભારતને શું ફાયદો થશે?
સિંધુ જળકરાર સસ્પેન્ડ કરવાથી ભારતને સિંધુ નદીના પાણીના વપરાશ માટે વધારે વિકલ્પ મળશે. એની સહાયક નદીઓના પાણીના વપરાશ માટે ભારત પર કોઈ રોક લાગશે નહીં. વળી ભારત પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર રિઝર્વોયર બાંધી શકશે.
ભારત હાલમાં ઝેલમની સહાયક નદી કિશનગંગા પર કિશનગંગા હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ અને ચિનાબ પર રાતલે હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બાંધી રહ્યું છે. આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે પાકિસ્તાની અધિકારીઓને ભારત હવે રોકી શકે એમ છે.
આશ્ચર્ય છે કે કરારમાં કોઈ એક્ઝિટ ક્લોઝ નથી રાખ્યો
1960માં બે દેશો વચ્ચે થયેલા આ કરારમાં સૌથી નવાઈની વાત એ છે કે એમાં કોઈ એક્ઝિટ ક્લોઝ નથી. એનો અર્થ એ છે કે ભારત કે પાકિસ્તાન એકતરફી રીતે એને રદ કરી શકે એમ નથી. કરારની કોઈ આખરી તારીખ પણ નથી. એમાં કોઈ પણ સુધારો કરવો હોય તો બેઉ દેશોની સહમતી જરૂરી છે. ભારતે કરારમાં સુધારો કરવા માટે 2023ના જાન્યુઆરીમાં ઈસ્લામાબાદને નોટિસ મોકલી હતી. આ મુદ્દે હજી પાકિસ્તાને જવાબ આપ્યો નથી.
ભારત તરત સિંધુ નદીના પાણીનો રેલો રોકી શકશે!
સિંધુ નદીના પાકિસ્તાનમાં જતા પાણીને ભારત આગામી થોડાં વર્ષ સુધી રોકી શકે એમ નથી, કારણ કે પાણી રોકવા માટે કે એને બીજે વાળી દેવા માટે ભારત પાસે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી.
એ ઊભું કરતાં સમય લાગી શકે છે. જોકે કરાર સસ્પેન્ડ કરવાથી કરારની શરતોમાંથી ભારતને છૂટ મળી જશે અને ભારત હાલમાં એના વિવિધ પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખી શકશે.
જેમાં બે હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટનો સમાવેશ છે. ભારત કિશનગંગા રિઝર્વોયરમાં જમા થયેલા કાંપને બહાર કાઢવા માટે રિઝર્વોયર ફલશિંગ કરી શકશે. આનાથી પાણી સંઘરવાની ક્ષમતામાં વધારો થશે અને પ્રોજેક્ટની લાઇફ વધી જશે.