જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ અમરનાથ યાત્રા પર જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓના મનમાં સુરક્ષા અંગે ચિંતા ઉભી થઈ છે. કેટલાક યાત્રાળુઓએ આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં આ યાત્રા પર જવાની તેમની યોજનાઓ રદ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થાને ધાર્મિક પર્યટનથી પણ ઘણી મજબૂતી મળે છે. પરંતુ પહેલગામમાં બનેલી દુઃખદ ઘટના બાદ, યાત્રાળુઓના મનમાં અસુરક્ષાની લાગણી ઘર કરી ગઈ છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત અમરનાથ ગુફા ઉનાળાના છેલ્લા દિવસોમાં ખુલે છે.
વન્ડર કન્સલ્ટન્ટ વર્લ્ડ ટ્રાવેલના ટ્રાવેલ કન્સલ્ટન્ટ વંશ કુમારે બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે, અત્યાર સુધી, અમે ૧૫૦ બુકિંગ કર્યા છે પરંતુ હવે રદ કરવાનું શરૂ થઈ ગયું છે. બે બુકિંગ પહેલાથી જ રદ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં આ સંખ્યા વધવાની શકયતા છે. લોકો આગળનું પગલું ભરતા પહેલા સરકાર તરફથી નક્કર ખાતરીની રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે, આ એજન્સીએ અમરનાથ ગુફાની મુલાકાત માટે ૨૦૦ થી વધુ યાત્રાઓનું આયોજન કર્યું હતું.
બીજી ટ્રાવેલ એજન્સી, શ્રાઇન યાત્રીના સિનિયર મેનેજર મુકેશ કુમારે પણ આવી જ આશંકા વ્યક્ત કરી હતી. આ એજન્સીએ ગયા વર્ષે ૪૦૦-૫૦૦ ટ્રિપ્સનું આયોજન કર્યું હતું. કુમારે કહ્યું, ઁઅત્યાર સુધી અમને અમરનાથ યાત્રા માટે ૧૦ બુકિંગ મળ્યા છે, પરંતુ ભવિષ્યમાં આ સંખ્યા વધવાને બદલે ઘટી શકે છે.ઁ અત્યાર સુધી કોઈએ તેમનું બુકિંગ રદ કર્યું નથી, પરંતુ સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતાઓ વધતી હોવાથી, લોકોએ તેમના આગામી પગલાં વિશે વિચારવાનું શરૂ કર્યું છે.
કુમારે કહ્યું કે તેઓ સરકાર તરફથી સ્પષ્ટ સંકેતની રાહ જોઈ રહ્યા છે કારણ કે અમરનાથ યાત્રા પહેલા પણ ઘણી વખત સ્થગિત કરવામાં આવી હતી.
દર વર્ષે દેશના ખૂણે ખૂણેથી લોકો અમરનાથ યાત્રા પર જાય છે. આ વર્ષે યાત્રા ૩ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ યાત્રા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન ૧૪ એપ્રિલથી જ શરૂ થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં અમરનાથ ગુફા બોર્ડને ૯,૦૦૦ થી વધુ નોંધણીઓ મળી હતી.
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણમાં ફરી એકવાર ગભરાટનું વાતાવરણ છે અને તે પણ જ્યારે પ્રવાસીઓ આવવાનું શરૂ કરે છે. આ ક્ષેત્ર માટે હાલની પરિસ્થિતિ સારી દેખાતી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રામાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. અમે આ વર્ષની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ હવે બધું જ સ્થગિત લાગે છે. અમે સરકાર તરફથી સ્પષ્ટ સંકેતોની પણ રાહ જોઈ રહ્યા છીએ.
છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રા પર આવનારા યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૪માં અમરનાથ યાત્રાળુઓની સંખ્યા ૫.૧૨ લાખ સુધી પહોંચી ગઈ, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ આંકડો છે. વર્ષ ૨૦૨૩માં ૪.૪૫ લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી.