સુરત: કડોદરા ચાર રસ્તા નજીક નીલમ હોટલ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર ઓવરબ્રિજના છેડે મુંબઈ જતી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહેલા બારડોલીના માતા-પુત્રનું ઓવરબ્રિજ પરથી પૂરઝડપે આવી રહેલ એક ટ્રેલરે કચડી નાખતા પરિવારજનોની આંખ સામે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ઘટનાને લઈને મહાવીર જયંતિના દિવસે બારડોલીના જૈન સમાજમાં માતમ છવાય ગયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની જનતા નગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભિલવાડા જિલ્લાના રાજાજીક કરેડા ગામના વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહ (ઉ.વ.30) વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પિતા પ્રકાશભાઈ, માતા મંજુબેન, પત્ની કિંજલબેન (ઉ.વ.30), પૂર દિયાન (ઉ.વ.4) તેમજ બે ભાઈઓ વિકાસ અને ફેનિલ તેમજ ભાભી સુરભિ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. મહાશિવરાત્રી પર તેમણે મુંબઈ જવાનું હોય ગત રાત્રે યોગેશભાઈ પત્ની કિંજલબેન, પુત્ર દિયાન અને પિતરાઇ ભાઈ રીંકેશ ગૌતમભાઈ શાહ અને તેમની પત્ની કિર્તિબેન સાથે બારડોલીથી કડોદરા ચાર રસ્તા ગયા હતા રીંકેશનો મનીષ તેમને કડોદરા મૂકી ગયો હતો અને ત્યાં નીલમ હોટલ પાસેથી અમદાવાદથી મુંબઈ જતાં નેશનલ હાઇવે નંબર 48 પરથી જતી ટ્રાવેલ્સની બસ પકડવાની હોય બસની રાહ જોતાં હતા.
રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં કડોદરાનો ઓવરબ્રિજ ઉતરતા હાઇવેના કિનારા પાસે ઊભા હતા ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર નંબર જીજે 10 ટીવી 9642 પૂરઝડપે હંકારી લાવી સર્વિસ રોડ પર લગાડેલ પતરાની રેલિંગ સાથે અથડાવી દીધું હતું. ધડાકાભેર અવાજ આવતા ત્યાં નજીકમાં બસની રાહ જોઈને ઉભેલા યોગેશભાઈ અને અન્ય મુસાફરરો ગભરાયને ભાગવા લાગ્યા હતા. તે દરમ્યાન તેમની પત્ની કિંજલ અને દિયાન બંને પણ ભાગવા જતાં ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ કિંજલ અને દિયાનને અડફેટમાં લીધા હતા.
અકસ્માતમાં ટ્રેલરનું વ્હીલ કિંજલના માથા પરથી જ્યારે દિયાનના કમર પરથી ફરી જતાં તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. આજે મહાવીર જયંતિને દિવસે જ આવી કરુણાંતિકા સર્જાતા બારડોલીના જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી.
હાલમાં નીલમ હોટલ પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું હોય સર્વિસ રોડ પર પતરાની રેલિંગ લગાવવામાં આવી છે. સુરતથી મુંબઈ, પૂના જવા માટેની બસો કડોદરાની નીલમ હોટલ પાસે સ્ટોપ હોય કડોદરા, બારડોલી સહિતના વિસ્તારના લોકો નીલમ હોટલ પાસે જ બસની રાહ જોઈને ઊભા રહેતા હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી કામગીરીને કારણે મુસાફરોએ હાઇવે પર જ ઊભા રહેવાનો વારો આવે છે. આથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે.