ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એકવીસ લોકોના મોત થયા છે, જ્યારે 61 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટના ચીનના હુનાન પ્રાંતમાં બની હોવાનું જાણવા મળ્યું છે. વિસ્ફોટ બાદ, અગ્નિશામકો, બચાવ કર્મચારીઓ અને તબીબી સ્ટાફને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સોમવારે સાંજે થયો હતો. દરમિયાન, ઘટના પછી ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા વીડિયોમાં એક વિશાળ વિસ્તારમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળે છે જ્યાં ઇમારતો ધરાશાયી થઈ છે અને કાટમાળ વિખેરાયેલો છે. જો કે, આ વીડિયોની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
અહેવાલો અનુસાર, હુઆશેંગ ફટાકડા ઉત્પાદન અને પ્રદર્શન કંપનીમાં વિસ્ફોટ થયો હતો. શી જિનપિંગે વિસ્ફોટના કારણો નક્કી કરવા માટે તપાસનો આદેશ આપ્યો છે અને આ ઘટના અંગે કડક જવાબદારી લેવાની હાકલ કરી છે.
તેમણે અધિકારીઓને મુખ્ય ઉદ્યોગોમાં જોખમોની તપાસ કરવા, આપત્તિ નિયંત્રણને મજબૂત બનાવવા, જાહેર સલામતી વધારવા તેમજ લોકોના જીવન અને સંપત્તિની સલામતી સુધારવા જણાવ્યું.


