સુરતની SBI બેંકમાં ખુલ્લેઆમ દિન-દહાડે ફિલ્મી ઢબે મોટી લૂંટની ઘટનાનો ભેદ હજુ વણ-ઉકેલાયેલો છે. ત્યારે એ તો સાબિત થઈ ગયું કે લૂંટારૂઓ સંપૂર્ણ આયોજન સાથે આવ્યા હતા અને હવે તપાસમાં સામે આવ્યું લૂંટારું 5 નહીં 6 હતા. વીડિયોમાં 5 દેખાયા પણ ખરેખર 6 સશસ્ત્ર લૂંટારૂઓએ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંદૂકની અણીએ બાનમાં લીધા હતા. 13 મિનિટના આ તાંડવમાં લૂંટારૂઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
સોમવારે બપોરે 1:13 કલાકે એક લૂંટારૂએ બેંકમાં આવી સર્વિસ મેનેજર સાથે કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને વાતચીત કરી હતી. તે જ સમયે તેણે પપ્પાની જગ્યાએ હું સહી કરું તો ચાલે? એવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ બપોરે 1:54 કલાકે પાંચ જેટલા અન્ય હિન્દી ભાષી લૂંટારૂઓ પિસ્તોલ સાથે અંદર ઘૂસી આવ્યા હતા અને લૂંટ કરી હતી. લૂંટારુઓ બેન્કના લોકરમાંથી 12 લાખ અને CMS કંપનીના કર્મચારી જે પૈસા લાવ્યા હતા તેમાંથી 38 લાખ લૂંટી ગયા હતાં.
આ કેસમાં ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં છે. લૂંટારૂઓ ત્રણ સ્પોર્ટ્સ બાઈક પલ્સર, અપાચે, સ્પ્લેન્ડર પર આવ્યા હતા. જેની નંબર પ્લેટ જામનગર, અમદાવાદ અને વલસાડના હતા. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ નંબર ખોટા છે. લૂંટારુંઓએ નંબર કોઈ ઓનલાઈન વેબસાઈટ પરથી લીધેલા હોઈ શકે છે. ભાગતી વખતે લૂંટારૂઓ ખૂબ શાતિર સાબિત થયા હતા.
તેમણે કર્મચારીઓ અને ગ્રાહકોના મોબાઈલ ફોન છીનવી લીધા હતા અને પોલીસ તેમને ટ્રેક ન કરી શકે તે માટે અલગ-અલગ રસ્તે મોબાઈલ ફેંક્યા હતા. આ ફોન શ્યામધામ, સરથાણા અને કઠોર પાસેથી મળી આવ્યા હતા. જે દર્શાવે છે કે તેઓ હાઈ-વે થઈને ભાગ્યા. લૂંટારું વેસ્ટર્ન યુ.પી. અને બિહારી લેગ્વેજ બોલતા હતા. લૂંટારૂઓ વેલંજા અને ગ્રામ્ય વિસ્તારમાં છુપાયા હોવાની શંકા સાથે પોલીસ ત્યાં તપાસ કરી રહી છે.


