પાકિસ્તાન સામેના યુદ્ધ કે યુદ્ધની સ્થિતિમાં સરહદી સહિતના ક્ષેત્રોમાં હવાઈ હુમલા કે પછી જમીન માર્ગે પણ આવી શકતા હુમલાની પુર્વ ચેતવણી માટે સાયરન વગાડવાની જે પદ્ધતિ છે તે કારગર પુરવાર થઈ છે.
ખાસ કરીને સરહદી ક્ષેત્રમાં રહેતા નાગરિકોને સલામત થઈ જવા માટે સમય મળી રહે છે. ગુજરાતમાં હવાઈ, સમુદ્રી અને ભૂમી એમ ત્રણેય પ્રકારની પાકિસ્તાન સામેની સરહદ ધરાવે છે અને ભૂતકાળમાં યુદ્ધ પણ જોઈ ચૂકયુ છે.
તે સમયે હવે રાજયની સરહદી સહિતની સુરક્ષામાં સાયરનની ભૂમિકા વધારવાનો નિર્ણય ભુપેન્દ્ર પટેલ સરકારે લીધો છે અને રાજયભરમાં સરહદી સહિતના ક્ષેત્રોમાં 1000 સાયરન સ્થાપવામાં આવશે અને તે એક સાથે જ રાજયભરમાં તાકીદનો સંદેશ આવે તેવી વ્યવસ્થા હશે.
આ માટે એક મોનેટરીંગ સેન્ટર પણ અપાશે. ગુજરાતમાં સિવિલ ડિફેન્સ સીસ્ટમને વધુ સક્ષમ બનાવાશે. આ નવી સાયરન સીસ્ટમ એ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ- આધુનિક ટેકનોલોજીના આધારે હશે અને તે રીમોટ કંટ્રોલ હશે જેથી તેને એકટીવ કરવામાં પણ સરળતા રહેશે. રાજય સરકારે તમામ જીલ્લા કલેકટરને આ સાયરન માટેના સ્થળો નિશ્ચિત કરવા જણાવાયુ છે અને તેમાં સરહદી સલામતદળો અને સૈન્ય બન્નેનું પણ માર્ગદર્શન લેવાશે.
રાજયભરમાં આ પ્રકારે 1000 સાયરન સ્થાપીત કરાશે અને તે આવશ્યકતા મુજબ એક જ સાથે ગર્જી ઉઠે તેવી વ્યવસ્થા પણ હશે. સાયરન બે પ્રકારની ચેતવણી આપે છે. જેમાં એક તે આવી રહેલા હવાઈ હુમલા- જેમાં મિસાઈલ એટેક હોય તેની પણ ચેતવણી અપાય છે. જેના કારણે ખાસ કરીને સરહદી સહિતના ક્ષેત્રના લોકોને સલામત શરણ લેવાનો સમય મળે છે.
જો કે હવે હવાઈ હુમલા અત્યાધુનિક ફાઈટર વિમાનો- મિસાઈલ કે ડ્રોન વિ.ની છેક અંદરના ભાગ સુધી કરી શકાય છે. તેથી રાજયના આંતરિક વિસ્તારોમાં પણ આવી એલાર્મ સીસ્ટમ જરૂરી બનશે. ઉપરાંત બ્લેક આઉટ વિ.ની પણ તૈયારી કરવાની જરૂર પડે તો તે માટે સમય મળી રહેશે.
બીજુ સાયરન સબ સલામતનું અપાય છે કે ખતરો ટળી ગયો છે. હવે સામાન્ય સ્થિતિમાં ફરી જઈ શકાશે. બન્ને સાયરનની ચેતવણી અલગ-અલગ ટયુન હશે. ગુજરાતના સિવિલ ડિફેન્સ હોમગાર્ડના ડીરેકટર શ્રી મનોજ અગ્રવાલે કહ્યું કે, આ સાયરન દુર દુરના ક્ષેત્રોમાં અલગથી અને રાજયભરમાં જરૂર પડે તો એક સાથે ચેતવણી આપી શકાય તેવા પ્રકારને રાજય જીલ્લા કલેકટરો તે માટે સ્થળો નિશ્ચિત કરશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરાશે. આ રીમોટ કંટ્રોલ સાયરનથી લોકોને ઝડપથી ચેતવી શકાશે. ઉપરાંત તેને વાવાઝોડા વિ.ના સમયે પણ ઉપયોગી કેમ બને તે જોવાશે.