ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ ઘણા રાજ્યોમાં મોક-ડ્રીલ યોજવાની સૂચના આપી છે. વિદ્યાર્થીઓ અને નાગરિક સંરક્ષણને ખાસ તાલીમ આપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક-ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે. જાણો કે આ કટોકટીની પરિસ્થિતિઓમાં તે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે.જો 7 મેએ અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં. આ કોઈ ઈમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોક-ડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે. આ દરમિયાન ‘યુદ્ધવાળું સાયરન’ વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે! 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોક-ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે જે જાણવું જરૂરી છે એ જાણીએ.
યુદ્ધવાળું સાયરન કયા લાગેલું હોય છે?
આ સાયરન સામાન્ય રીતે વહીવટી ઇમારતો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણા અને શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે. તેમનો હેતુ સાયરનનો અવાજ શક્ય તેટલા દૂર સુધી પહોંચે તેવો છે. આ ખાસ કરીને મોટા શહેરોમાં, સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાપિત કરાય છે.
યુદ્ધવાળું સાયરન કેવું હોય છે?
‘રસ્ટ સાયરન’ તરીકે ઓળખાતી આ એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ છે. તે યુદ્ધ, હવાઈ હુમલો અથવા આપત્તિ જેવી કટોકટીની પરિસ્થિતિઓ વિશે ચેતવે છે. તેના અવાજમાં સતત ઉચ્ચ-નીચું કંપન હોય છે, જે તેને સામાન્ય હોર્ન અથવા એમ્બ્યુલન્સના અવાજથી સંપૂર્ણપણે અલગ બનાવે છે.
તેનો અવાજ કેવો હોય છે અને કેટલે દૂર સુધી જાય છે?
યુદ્ધના સાયરનનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે. સામાન્ય રીતે તે 2-5 કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે. અવાજમાં એક ચક્રીય પેટર્ન હોય છે. એટલે કે તે ધીમે ધીમે વધે છે, પછી ઘટે છે અને આ ક્રમ થોડી મિનિટો સુધી ચાલુ રહે છે. એમ્બ્યુલન્સની સાયરન 110-120 ડેસિબલનો અવાજ કરે છે, ત્યારે યુદ્ધ સાયરન 120-140 ડેસિબલનો અવાજ કરે છે.
ભારતમાં ‘યુદ્ધ સાયરન’ સૌપ્રથમ ક્યારે વાગ્યું હતું?
ભારતમાં 1962ના ચીન યુદ્ધ, 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે આ સાયરન ખાસ કરીને સરહદી અને મોટા શહેરોમાં લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કારગિલ યુદ્ધ દરમિયાન પણ સરહદી વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જ્યારે સાયરન વાગે તો શું કરવું?
સાયરન વાગવાનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું. જોકે મોક-ડ્રીલ દરમિયાન ગભરાવું નહીં. એ ચેતવણી ખુલ્લા વિસ્તારોથી દૂર થઇ ઘરો અથવા સુરક્ષિત ઇમારતોમાં જવાની છે. એ સૂચવે છે કે દુશ્મન તરફથી આ સ્થળે હુમલો થઇ શકે છે અથવા થઇ રહ્યો છે. એ દરમિયાન ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ખાસ ધ્યાન આપવું. અફવાઓ માનવા કે ફેલાવવાથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું. જયારે ભય હોય અને ત્યારે ત્રુટક ત્રુટક સાયરન વાગે ત્યારે વાહન ચાલકોએ બાજુ પર થોભી જવું તેમજ વાહનની લાઈટો બંધ કરી દેવી જોઈએ, જેથી એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ માટે માર્ગ સરળ બને.
કેટલા સમયમાં જગ્યા ખાલી કરવાની હોય છે?
વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, પહેલા સાયરન વાગ્યા પછી 5 થી 10 મિનિટમાં સલામત સ્થળે પહોંચવું જોઈએ. આ જ કારણ છે કે લોકોને ઝડપથી અને શાંતિથી ભીડમાંથી બહાર નીકળવાનું શીખવવા માટે મોક-ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે.
એ પછી દુશ્મનોનો ભય ન રહેતા ઓથોરિટી તરફથી જાણકારી આપતુ ‘સબ સલામત’નું સળંગ વાગતું સાયરન વગાડવામાં આવે છે. જયારે પરિસ્થિતિ સામાન્ય બને છે.