દેશમાં ઈ-કોમર્સની ફુડ ડીલીવરી સહિતના પ્લેટફોર્મમાં કામ કરતા અને તે ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં જે હંગામી કર્મચારીઓ ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે તેઓને હવે સામાજીક સુરક્ષા હેઠળ આવરી લેવાશે. લાંબા સમયથી કેન્દ્ર સરકાર તેના પર વિચારણા કરી રહી હતી અને હવે આ અંગે એક બ્લુપ્રિન્ટ તૈયાર થઈ છે. જે આગામી બજેટમાં જાહેર થાય તેવા સંકેત છે.
ઈ-કોમર્સ સાથે જોડાયેલા ડિલીવરીમેનની તેના અન્ય કર્મચારીઓ જે હંગામી નોકરી પર છે તે ઉપરાંત વિવિધ કેબ સેવાના ડ્રાઈવર અને આ પ્રકારના ડીજીટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા કર્મચારીઓને આગામી દિવસોમાં દુર્ઘટના વિમા, સ્વાસ્થ્ય યોજના અને પેન્શન સહિતના લાભો મળશે. આ અંગે સરકાર વિવિધ કંપનીઓના વડાઓ તથા સીઈઓ, આ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ ચર્ચામાં સામેલ કરીને તેમના અભિપ્રાયો મેળવાયા છે.
કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં આ પ્રકારના કર્મચારીઓ તેમની નોકરી બદલે તો પણ તેઓને એક યુનિક નંબરથી આ પ્રકારના લાભો મળતા રહેશે.
જેમાં પ્રોવિડન્ટ ફંડ યોજના મારફત નિવૃતિ બાદ નિશ્ચિત પેન્શન, આયુષ્યમાન યોજના હેઠળ તબીબી સારવારના લાભો તથા વિમા હેઠળ અકસ્માત કે અન્ય કારણોસર મૃત્યુમાં તેમના કુટુંબને એક ચોકકસ રકમ મળી જશે.
દેશમાં ગીગ-વર્કર તરીકે ઓળખાતા આ પ્રકારે લગભગ સવા બે કરોડ કર્મચારીઓ છે જેની સંખ્યા પણ સતત વધતી જાય છે. 77 લાખ કર્મચારીઓ વિવિધ ઈ-પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે અને તે સતત વધી રહી છે.
2030 સુધીમાં તેની સંખ્યા 4-5 કરોડ થઈ જશે તો તેમની સામાજીક સુરક્ષામાં હાલ કોઈ જોગવાઈ નથી અને તેઓની નોકરીની સલામતની ગેરેન્ટી પણ નથી.