ભગવતીકુમાર શર્મા
ટેલિવિઝનની ડઝનબંધ ચેનલોના આ જમાનામાં બાપડા રેડિયાનો કોણ ભાવ પૂછતું હશે? હું તો તેમાં અપવાદરૂપ છું જ! છેક ૧૯૪૮ કે તે પહેલાંથી રેડિયો સાથેનો મારો જે રોમાન્સ શરૂ થયો તે આજે ઈ.સ. ૨૦૦૦ના સી.ડી. અને ઇન્ટરનેટના હાઈટેક જમાનામાં પણ ચાલુ છે અને તેમાં રજમાત્ર ઘટાડો થયો નથી. મને સંબંધ છે ત્યાં સુધી આજે પણ રેડિયો મારે માટે પાટવી કુંવરનું અને ટીવી અણમાનીતી રાણી જેવું સ્થાન ભોગવે છે! રેડિયોને હું રીતસર પ્રેમ કરું છું, જ્યારે ટીવી તો મારી મામૂલી આવશ્યકતા માત્ર છે! ટીવી નહોતા ત્યારેય રેડિયો હતો. ટીવી છે તોયે રેડિયો છે, ટીવીથી કોક ચઢિયાતું આકર્ષણ આવશે તોયે રેડિયો તો રહેવાનો જ. કમમાં કમ મારા પૂરતો! મને ઊંડો સંતોષ તો ત્યારે થયો જ્યારે ચારેક વર્ષ પહેલાંના મારા ત્રણ મહિનાના અમેરિકા-પ્રવાસ દરમિયાન મને લગભગ પ્રત્યેક મોટરકારમાં રેડિયો સાંભળવા મળ્યો! અલબત્ત, એ બધાં રેડિયો કેન્દ્રો સ્થાનિક સ્તરનાં હતાં જેના પર મુખ્યત્વે હવામાન અને ટ્રાફિકને લગતા સમાચારો તથા સંગીત પ્રસારિત થતાં રહેતાં હતાં. ત્યાંના રોજિંદા જનજીવન માટે તેની ઉપયોગિતા પણ સ્વયં સ્પષ્ટ હતી, કેમ કે અમેરિકા તો ‘કન્ટ્રી ઓન વ્હીલ્સ’ છે, જેથી ડ્રાઇવિંગ કરનારની પળેપળની સુવિધાઓનો ખ્યાલ રાખવાનું ત્યાં અનિવાર્ય હોય.
આપણે ત્યાં હજી કાર-રેડિયોનું મહત્ત્વ નહિવત્ અને કાર-ટેપનું માહાત્મ્ય ઘણું છે, કેમ કે રેડિયોમથકોનું એ પ્રકારનું નેટવર્ક હજી ભારતમાં વિકસાવાયું નથી, પરંતુ જે રીતે આપણે ત્યાં પણ રોડ ટ્રાફિક વધતો જાય છે તે જોતાં ભવિષ્યમાં રેડિયોમથકોનું તેવું નેટવર્ક વિકસાવવું જરૂરી બનશે.
આમેય હવે ભારતમાં એફ.એમ. બેન્ડનાં રેડિયો સ્ટેશનોની સરકારી તેમ જ ખાનગી હારમાળા શરૂ થઈ રહી છે અને તે ખાસ્સી લોકપ્રિય બનતી જાય છે, પરંતુ તે મહદ્ અંશે સંગીતશ્રવણ પૂરતી મર્યાદિત છે. જોકે તેમાંયે અદ્વિતીય છે, કેમ કે ક્રિસ્ટલ ક્લીઅર રિસેપ્શનને કારણે એફ.એમ. બેન્ડ પર ખલેલરહિત સંગીત સાંભળવાનો કોક જુદો જ આનંદ આવે છે. ભવિષ્યમાં કદાચ એવી ટેક્નોલોજી વિકસાવાશે કે જ્યારે બધાં જ રેડિયો કેન્દ્રોનું રિસેપ્શન એફ.એમ. બેન્ડ જેવું ચોખ્ખુંચણાક હોય. કદાચ તેવી ટેક્નોલોજી પશ્ચિમના દેશોમાં અમલી બની પણ હોય. આપણે ત્યાં તેવું નહીં થાય ત્યાં સુધી રેડિયો-કાર્યક્રમો અને ઘરઘરાટીની જુગલબંધી ચાલુ રહેશે! અત્યારે મારી પાસે જે ટ્રાન્ઝિસ્ટર છે તે માત્ર બે’ક વર્ષના વપરાશ પછી એવો ઠોઠ નિશાળિયો બની ગયો છે કે સ્વિચ ઓન કર્યા પછી પણ મારા હાથની દસ-બાર ‘થપ્પડ’ ખાધા વિના પોતાનું કામ શરૂ કરતો નથી! છોરુ ગમે તેટલો કછોરુ થાય તો પણ મા-બાપના હૃદયમાં તેના પ્રત્યેનો પ્રેમ અકબંધ રહે છે તેમ આ “થપ્પડખાઉ’ ટ્રાન્ઝિસ્ટર પ્રત્યેનો મારો પ્રેમ પણ લગીરેય ઓછો થતો નથી!
મારો રેડિયો-રોમાન્સ ચાળીસના દાયકાના ઉત્તરાર્ધ જેટલો પ્રાચીન છે! ત્યારે ઘેરઘેર રેડિયો હોય તેવી તો કોઈને કલ્પનાયે નહોતી. રેડિયો ત્યારે એક અતિ દુર્લભ ચીજ હતી, પરંતુ મારા સાખ પાડોશીને ત્યાં સરસ મજાનો, વીજળીથી ચાલતો, વિશિષ્ટ આકારનો ટેબલ-રેડિયો હતો. મારે માટે તે માત્ર દૂરથી જોવાની અને જોઈને એકસાથે ખુશ તથા નાખુશ થવાની ચીજ હતી. કેમ કે મને કે કોઈને એ રેડિયોને સ્પર્શ સુદ્ધાં કરવાનો અધિકાર ન હતો. એ ઘરમાં એક મોટા શાસ્ત્રીય સંગીતકાર રહેતા હતા અને તેઓ પોતાના રેડિયો પર માત્ર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો જ સાંભળતા હતા. મારો ફિલ્મ સંગીત-શોખ ત્યારે ઉદય પામી ચૂક્યો હતો, પણ પડોશીના રેડિયો પર ફિલ્મી ગીત સાંભળવાનું કે વગાડવાનું તો સ્વપ્ન પણ સેવી શકાય તેમ નહોતું!
પરંતુ એક ઢળતી રાત્રે હું રોમાંચિત થઈ ઊઠ્યો! મારા ઘરના પાછલા ભાગે એક બંધ મકાન છે. આજે પણ તે યથાવત્ છે. એ મકાનની સામી બાજુએ નાનાં નાનાં મકાનોની હારમાળા આવેલી છે. તેમાંના કોઈક મકાનમાંથી રેડિયો પર એક ફિલ્મી ગીત ગુંજી ઊઠ્યું અને મારા કાન સુધી તે લહેરાઈ આવ્યું. જોગાનુજોગ હું ત્યારે મારા મકાનના એ પાછલા હિસ્સામાં જ હતો. ગીત સંભળાતાં તરત હું બારી પાસે દોડી ગયો અને રોમેરોમ આનંદના અનુભવની સાથે મેં એ ગીત સાંભળ્યું. એ અનુભવને હવે તો લગભગ સત્તાવન વર્ષ વીતી ગયાં છે, પણ મારા શ્રવણતંત્રમાંથી હજી એ ગીતના સૂરો વિસરાયા નથી. મને બરાબર યાદ છે કે એ ગીત પુણેની ફિલ્મ નિર્માણ સંસ્થા ‘પ્રભાત’ દ્વારા નિર્મિત “ચાંદ” નામની ફિલ્મનું હતું. એ ગીતની પ્રથમ બે પંક્તિઓ આ પ્રમાણે હતી :
“દો દિલોં કો યે દુનિયા મિલને હી નહીં દેતી, આશાઓં કી કલિયોં કો ખિલને હી નહીં દેતી.”
એની જાણ તો પછીથી થઈ કે એ ગીત મેપુ નામની ગાયિકા-અભિનેત્રીએ ગાયું હતું અને એ ગીતનું સ્વરાંકન હુસ્નલાલનું હતું.
એક ઘટના ૧૯૪૯ની સ્મરણે ચઢે છે. હા, વર્ષ એ જ હતું કેમ કે એ વર્ષમાં રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘બરસાત’ રજૂ થઈ હતી અને તેનાં ગીતો ગલીએ ગલીએ ગવાતાં હતાં. હું પણ ખાસ્સો પંદરેક વર્ષની વયે પહોંચ્યો હતો. રાતના દસેક વાગ્યા હશે. “આકાશવાણી’નું અમદાવાદ-વડોદરા કેન્દ્ર આરંભાઈ ચૂક્યું હતું. અચાનક એ જ પાછલા પડોશીના રેડિયો પરથી ‘બરસાત’નાં ગીતો ગુંજવા માંડ્યાં : ‘છોડ ગયે બાલમ’ વગેરે. ‘ગીતોં ભરી કહાની’ કે એવો કોઈક કાર્યક્રમ પ્રસારિત થઈ રહ્યો હતો. બ્રોડકાસ્ટર કદાચ સુબંધુ ત્રિવેદી હતા. હું મારી અગાસીમાં. રાત્રીની નીરવતા. અને “બરસાત’નાં દિલડોલ ગીતો! આજે એકાવન વર્ષના સુદીર્ઘ અંતરાય પછી પણ એ રાત્રી, એ ગીતો અને એ સમગ્ર માહોલ મારા અંતસ્તતમાં એકતાંતણે જીવંત છે. તે માટે રેડિયો સિવાય મારે સૌથી વધારે આભાર કોનો માનવો?
મારા ઘરમાં તો રેડિયો તે પછી લગભગ દાયકે એટલે કે ૧૯૫૭માં આવ્યો! અને ત્યારે મને મારી જાત દુનિયામાં સૌથી વધુ સુખી લાગી હતી! ઘણી સેવા બજાવ્યા પછી એ રેડિયોરાજવી પછી તો જૂના થયા, ઘરડા થયા અને તેમનું સ્થાન ટ્રાન્ઝિસ્ટરોએ લેવા માંડ્યું, પણ પેલો રાજાશાઈ દબદબો તો અણનમ જ હતો!
ઓહોહો! રેડિયો દ્વારા મેં કેટકેટલું સાંભળ્યું છે! યાદ છે “બિનાકા ગીતમાલા’ની લોકપ્રિયતાનો સુવર્ણકાળ? સાંભરે છે ‘વિઝી’, પિયર્સન સુરિતા, ચક્રપાણિ, વિજય મરચન્ટ, આનંદ રાવ, બેરી સર્વાધિકારી વગેરેની રેડિયો-ક્રિકેટ-કોમેન્ટરી? માત્ર અવાજ વડે જ રમતના ક્ષણ ક્ષણના ચઢાવ- ઉતારને શ્રોતાઓ સમક્ષ તાદશ કરી બતાવવાતી તેઓની ક્ષમતા તો આજના ટીવીના લાઈવ ટેલિકાસ્ટના યુગમાં પણ મને તો અદ્વિતીય લાગે છે. હું તો આજેય જો ક્રિકેટ મેચની રેડિયો- કોમેન્ટરી આવતી હોય તો ટીવીની નજીક ફરકતોયે નથી અને સૂતો સૂતો, પડખે ટ્રાન્ઝિસ્ટર રાખીને સુરેશ સરૈયા કે અનંત સેતલવાડની રનિંગ કોમેન્ટરી સાંભળવાનું જ પસંદ કરું છું, કેમ કે સ્પોકન વર્ડ (ઉચ્ચારિત શબ્દ)ની શક્તિના મહિમાને હું માણી-પ્રમાણી શકું છું. અને ૧૯૬૫ના ભારત- પાકિસ્તાન યુદ્ધ સમયનાં “આકાશવાણી’ પરથી પ્રસારિત થતાં મેલ્વિલ ડિમેલોનાં ખરેખરાં થ્રિલિંગ રેડિયો-ફીચર્સ, ૧૯૭૧નું બંગલા દેશ યુદ્ધ તથા ૧૯૭૫ની ઇન્દિરા ગાંધી સર્જિત ગૂંગળાવનારી કટોકટી વખતે બી.બી.સી.ની હિન્દી સેવા દ્વારા અપાતા મુક્ત, તટસ્થ, સાચા નિર્ભીક સમાચારો વગેરેને કેમ વીસરી શકાય? રેડિયો દ્વારા જ મેં કવિવર રવીન્દ્રનાથ ટાગોર, કાઝી નઝફુલ ઇસામ અને એલિસ્ટ જેવા કવિઓના કાવ્યપઠનનાં ધ્વનિમુદ્રણો સાંભળવાનો લ્હાવો લીધો છે અને શેખ મુજીબુર રહેમાનની “જોય બોંગલા’ની રણગર્જનાઓ આજેય મારા કાનમાં પડઘાય છે. મહાત્મા ગાંધીજીનો અવાજ પણ મેં રેડિયો દ્વારા જ પહેલવહેલી વાર સાંભળ્યો છે અને ઉસ્તાદ ફૈયાઝ ખાં કે પંડિત ઓમકારનાથ ઠાકુરનું શાસ્ત્રીય ગાયન આજેય હું રેડિયો દ્વારા જ સાંભળી શકું છું. લોકગાયક હેમુ ગઢવીનો ઘેઘૂર કંઠ પણ આજે મારા સુધી રેડિયો દ્વારા જ પહોંચે છે. રેડિયોનો હું ઋણી છું અને રહીશ.