આર્ટ(કલા) ક્ષેત્રે સુરતની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં 19મી જાન્યુઆરી, 2024 ના રોજ કતારગામ કોમ્યુનિટી સેન્ટર ખાતે 11,111 સ્કે. ફૂટના વિસ્તારમાં આકર્ષક અને ભવ્ય રિયાલિસ્ટિક સૌથી મોટી શ્રીરામ રંગોળી બનાવવામાં આવી હતી. સુરત માટે ગૌરવની વાત છે કે, આ શ્રીરામ રંગોળીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
ખાસ ઉલ્લેખનીય છે કે, આ અલૌકિક રંગ-બેરંગી શ્રીરામ રંગોળીએ દેશ-વિદેશમાં જબરજસ્ત લોક ચાહના મેળવી હતી. 40 બહેનોએ 1400 કિલો રંગોનો ઉપયોગ કરીને સતત 12 કલાકની મેહનતથી રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળીમાં ભવ્ય રામદરબાર સજાવ્યો હતો. મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખ દ્વારા તૈયાર કરવામાં આવેલી રૂપરેખા પર તેમના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય રંગોળીનો કાર્યક્રમ યોજાયો હતો.
સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષના હસ્તે નયનાબેન કાટ્રોડિયા – કલાર્પણ આર્ટ ગ્રૂપ તેમજ મોટા મંદિર યુવક મંડળના સહકાર સાથે રચવામાં આવેલી શ્રીરામ રંગોળી માટે તેમને અને 40 બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા.
નયનાબેન કાટ્રોડિયા અને નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે, સંસ્થા સાથે સંકળાયેલી 40 બહેનોએ સવારે 5 થી સાંજે 5 વાગ્યા સુધી સતત 12 કલાકની મહેનત સાથે આ રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે શ્રધ્ધા અને ભક્તિના રંગ પૂર્યા હતા. આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામ સેતુ, ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી, રામસેતુ નિર્માણ વગેરે પાત્રોની છબીને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. અયોધ્યામાં નિર્મિત થયેલાં ભવ્ય રામ મંદિરને સમર્પિત તેમજ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપતી આ રિયાલિસ્ટિક રંગોળીને વૈશ્વિક સ્તરે માન્યતા સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ તરફથી એવોર્ડ મળતા અમે ખુબજ ગૌરવાંતિત છીએ.
આ ઐતિહાસિક પ્રસંગમાં સામેલ તમામ સંસ્થાઓ અને આર્ટિસ્ટનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. અમને વિશ્વાસ છે કે, આ એવોર્ડથી રંગોળી જેવી પારંપરિક કલા અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પ્રસ્તુત કરવા માટે પ્રોત્સાહન મળશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેંદી કલ્ચરના સ્થાપક અને મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” ને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. જેમાં રામાયણની 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે “મહેંદીકૃત રામાયણ” ને સર્જનાત્મકતા સાથે કલા અને ભક્તિનું શ્રેષ્ઠ સંગમ દર્શાવીને નિમિષાબેન પારેખને પ્રશંસાપત્ર એનાયત કર્યું હતું.
TRENDING VIDEO