મહાકુંભમાં મકર સંક્રાતિએ વહેલી સવારે ગંગા,યમુના અને અદ્રશ્ય સરસ્વતીનાં મિલન સ્થળ સંગમ પર નાગા સન્યાસીઓએ દિવ્યતાથી સંગમના જળમાં ડુબકી લગાવી હતી.
અમૃત (શાહી)સ્નાન માટે સૌથી પહેલા મહાનિર્વાણી અને અટલ અખાડાના સંતો સવારે લગભગ સવા છ વાગ્યે સંગમ સ્થળે પહોંચી ગયા હતા સૌથી પહેલા આચાર્યે ગંગાસ્નાન કર્યુ હતું. ત્યારબાદ ઈષ્ટદેવની મૂર્તિ અને ભાલાને સ્નાન કરાવ્યુ હતું ત્યારબાદ નાગા સન્યાસીઓનો ટોળી સંગમમાં કુદી હતી. નાગા સન્યાસીઓએ ગદા, ત્રિશુલ, તલવાર લઈને બમ બમ ભોલે હરહર મહાદેવનાં નારા લગાવ્યા હતા.
કયારેક પોતાની જટાથી અમૃત જલ હવામાં ઉપર ઉછાળીને સુધબુધ ખોઈને નાચતા હતા તો કયારેક શરીરને ધ્રુજાવતી ઠંડી હવાઓ અને બરફ જેવા ગંગાજળમાં નાગા સન્યાસીઓનો ઉલ્લાસ જોઈને શ્રધ્ધાળુઓ તેમને પ્રણામ કરતા હતા.
લગભગ પોણા કલાક સુધી સંગમ સ્નાન કર્યા બાદ નાગા સન્યાસીઓનુ પહેલુ જુથ બહાર નીકળ્યુ હતું. ત્યારબાદ નિરંજની અખાડા અને આનંદ અખાડાના સાધુ સન્યાસીઓએ સંગમમાં ડુબકી લગાવી હતી. અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્રપુરી અને આચાર્ય મહામંડલેશ્વર કૈલાસનંદની આગેવાનીમાં હજારો નાગા સાધુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું.
ઉઠો અવધુતો, નાગા ઉઠો બધા દેવતાઓ પાસે ચાલો
રાત્રે લગભગ અઢી વાગ્યે અવાજ સંભાળાયો હતો મહાનિર્વાણી અખાડાની બહાર આવો અવાજ સંભળાયો હતો.ત્યારબાદ બધી મઢીઓમાં હલચલ શરૂ થઈ હતી. નાની નાની ઝુંપડીમાં ધુણી લગાવીને બેઠેલા નાગા સાધુઓની ગતિવિધી શરૂ થઈ ગઈ હતી. કોઈ શિબીરમાં ભજન શરૂ થયા તો કોઈ શિબીરમાં શંખનાદનાં અવાજ સંભળાયા ધીરે ધીરે સ્નાન બાદ બહાર ધર્મ ધ્વજા સાથે નાગા સન્યાસીઓ પહોંચ્યા હતા.
મા ગંગાને સાડી અર્પણ કરાઈ
સનાતન ધર્મના ધ્વજાવાહક બધા 13 અખાડાએ પરંપરાની સાથે સંગમસ્નાન કર્યુ હતું. સન્યાસીઓના સૌથી મોટા અખાડા જુનાના પીઠાધિશ્વર આચાર્ય મહા મંડલેશ્વર સ્વામી અવધેશનંદ ગિરિએ મા ગંગાનું પૂજન કર્યું હતું અને બાદમાં સાડી અર્પિત કરી હતી.
મકરસંક્રાતિએ હરિદ્વારમાં ગંગામાં અને અયોધ્યામાં સરયુમાં શ્રધ્ધાળુઓએ ડુબકી લગાવી
મકર સંક્રાતિનાં પ્રથમ સ્નાન માટે દેશભરમાંથી શ્રધ્ધાળુઓ ધર્મનગરી હરિદ્વાર અને અયોધ્યામાં પહોંચી નદીમા ડુબકી લગાવી હતી. અયોધ્યામાં શ્રધ્ધાળુઓએ સરયુમાં સ્નાન કર્યું હતું. અને હરિદ્વારમાં ગંગામાં ડુબકી લગાવી હતી.
વર્ષનાં પ્રથમ સ્નાન મકર સંક્રાતિનાં અવસર પર દિલ્હી, પંજાબ, હરીયાણા, બિજનોર, ઉતર પ્રદેશ નેપાળ, ઉતરાખંડ, સહીત અન્ય રાજયોમાંથી શ્રધ્ધાળુઓ હરીદ્વાર પહોંચ્યા હતા અને ગંગામાં સ્નાન કર્યું હતું. કહેવામાં આવે છે કે આ દિવસે સ્નાન કરવાની સાથે દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્વ છે.
મકર સંક્રાતિનાં દિવસે બ્રહ્મ વેળામાં ગંગાસ્નાનનુ વિશેષ મહત્વ છે.આ દિવસે ગંગા સ્નાન કરવાથી જાણ્યા-અજાણ્યામાં કરેલા પાપથી મોક્ષ મળે છે. આ દિવસે ગંગાના પવિત્ર જળધારામાં સ્નાન કરવાથી આત્માને શાંતિ મળે છે પવિત્રતાનો અનુભવ થાય છે.