સુરત પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન 8.57 કરોડની કિંમતના સોના સાથે બે વ્યકિતની ધરપકડ કરી હતી. આ મામલે કસ્ટમ, જીએસટી તથા ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સેલેરીયો કાર મારફત સોનાનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમીના આધારે સારોલી પોલીસ પોદાર સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી અને વાહન ચેકિંગ શરૂ કરાયું હતું તે દરમ્યાન કારમાંથી કપડામાં છૂપાવેલું તથા બે વ્યકિતના ગંજી અને પેન્ટમાં સંતાડેલું 14.70 કિલો સોનુ મળ્યું હતું. આ સોનાની કિંમત 8.56 કરોડ થવા જાય છે.
પોલીસ પૂછપરછમાં આ વ્યકિતના નામ મગન ધનજીભાઇ ધામેલીયા તથા હિરેન ભટ્ટી હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા સોનામાં 14 બિસ્કીટ ઉપરાંત ટુકડા તથા ભુક્કો હતો. સોનાને ઓગાળવા માટે રીફાઇનરીમાં લઇ જતા હોવાનું કહ્યું હતું પરંતુ પોલીસને કોઇ દસ્તાવેજી પુરાવા ન મળતા કબ્જતે કરી લેવાયું હતું.
પોલીસના સૂત્રોએ કહ્યું કે સોનુ કોનું છે અને ક્યાં લઇ જવામાં આવતું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કસ્ટમ-ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પોલીસે સોનુ ઉપરાંત બે મોબાઇલ ફોન તથા કાર પણ જપ્ત કર્યા હતા. પકડાયેલા સોનાના બિસ્કીટ પર વિદેશી માર્કા હોવાનું માલુમ પડ્યું હતું.