હોટલાઇન ન્યૂઝ
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વિવિધ સેકટરમાં પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરી કરચોરીની રીતરસમો સમજી કરચોરો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કરદાતા દ્વારા ઉપભોકતાઓને થતા વેચાણો એટલે કે બીટુસી ક્ષેત્રમાં ધ્યાને આવેલ કરચોરી સબબ સ્ટેટ જીએસટીની અન્વેષણ બ્રાંચ દ્વારા ગત તા.30/5ના રોજ અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતેના 24 મોટા ટર્નઓવર ધરાવતા હાઈસ્ક્રીમ પાર્લર અને જયુસે ખાણીપીણીનાં, 47 ધંધાના સ્થળો ખાતે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેમાં 40 કરોડતી વધુ રકમના છુપાયેલા વેચાણો મળી આવેલ છે.
તપાસ દરમ્યાન ઉપરોકત પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાના રૂા.6.75 કરોડ, પિઝાના રૂા.4 કરોડ, આઈસ્ક્રીમનાં તથા જયુશના રૂા.30 કરોડના છુપાયેલ વેચાણો મળી અત્યાર સુધીની તપાસમાં કુલ રૂા.40 કરોડથી વધુના છુપાયેલા વેચાણો મળી આવેલ હતા.
તપાસ દરમિયાન પેઢીવાર જુદા જુદા પ્રકારની રીત રસમો ધ્યાને આવેલ છે. અમુખ પેઢીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જયુસ બનાવવા માટે જરૂરી કાચામાલની ખરીદીઓ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી કરવામાં આવે છે. રોકડથી થતા વેચાણોમાં મહદ અંશે બિલો આપવાનું ટાળવામાં આવે છે.
જયાં ગ્રાહકો કયુઆર કોડ સ્કેનરથી પેમેન્ટ કરે છે તેવા કિસ્સામાં વેચાણો છુપાવવાના આશયથી પેઢીના કર્મચારી અથવા કોઈ સંબંધી/ ત્રાહીત વ્યકિતના કયુઆર કોડ થકી તેમના બેન્ક એકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે.
જયાં પીઓએસ મશીન અથવા ગ્રાહકના આગ્રહથી બીલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા ‘પેટપૂજા’ જેવા સોફટવેરમાંથી બિલો જાતે ડીલીટ કરી અથવા સોફટવેર સેવા પુરી પાડનાર કંપની મારફત ડીલીટ કરાવી દેવામાં આવે છે.
આમ કરચોરો દ્વારા ગ્રાહક પાસેથી કાયદેસર વેરાના નામે ઉઘરાવેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવતી નથી. પ્રાથમિક તપાસ દરમ્યાન બિસ્મિલ્લાહ બ્રાન્ડનાં ફ્રેનચાઈસી કરાર વિનાના 29 આઉટલેટ્સ જણાઈ આવેલ છે.
તપાસની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો/પુરાવાઓ મળી આવેલ છે. વધુ તપાસ તથા વસુલાતની કામગીરી હાલ ચાલુમાં છે અને કરચોરીનો આંકડો વધે તેવી સંભાવના છે.કયાં દરોડા?
અમદાવાદ શહેર:
(1) પટેલ આઈસ્ક્રીમ,
(2) આસ્ટોડિયા જયુશ સેન્ટર,
(3) આઈસ્ક્રીમ લાઈબ્રેરી (શંકર આઈસ્ક્રીમ),
(4) જયસિંહ આઈસ્ક્રીમ
સુરત શહેર:
(1) બિસ્મિલ્લાહ,
(2) મહાલક્ષ્મી જયુશ અને ફાસ્ટફુડ કોર્નર 3.51 રેમ્બો
રાજકોટ શહેર:
(1) અતુલ આઈસ્ક્રીમ.