દેશમાં રેલવે અકસ્માત સર્જવાના એક પછી એક પ્રયાસમાં ગુજરાતમાં પણ મોટી દુર્ઘટના થવાની શક્યતા : વડોદરા ડિવિઝન દ્વારા ખુલાસો : કીમ રેલ્વે સ્ટેશન પાસે અપલાઇનમાં છેડછાડ : જો કે મોનીટરીંગમાં ખ્યાલ આવતા જ ટ્રેન સેવા બંધ કરી ટ્રેકનું તાત્કાલીક રીપેરીંગ કરવામાં આવ્યું : તપાસના આદેશ
દેશમાં ટ્રેન ઉથલાવવાના સતત વધતી જતી ઘટનાઓમાં હવે ગુજરાતનું નામ પણ જોડાઇ ગયું છે અને પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનની એક ટ્રેન ઉથલાવવાની કોશીશ નાકામ બનાવવામાં આવી છે.
જો આ પ્રયાસ સફળ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત, પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના જણાવ્યા મુજબ સુરત પાસે કીમ રેલ્વે સ્ટેશન નજીક કોઇ વ્યકિતએ અપલાઇનના ટ્રેકની સાથે ચેડા કર્યા હતા અને ટ્રેક ઉપરથી ફિશપ્લેટ અને ચાવી ખોલી નાંખી હતી જેના કારણે ત્યાર બાદ તેના પર પસાર થનારી ટ્રેનને મોટી દુર્ઘટનાની શકયતા હતી.
જોકે હાલમાં જ જે રીતે દેશમાં ટ્રેન ઉથલાવવાની ઘટના વધતી જાય છે તે પછી રેલવે દ્વારા મહત્વના તમામ ટ્રેકો પર સતત ચેકીંગ કરવામાં આવે છે અને સુરત પાસે આ ટ્રેક પર દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ ચેકીંગ દરમિયાન જોવા મળતા તુર્ત જ ટ્રેનોને આવાગમનને રોકી દેવામાં આવી છે.
લાઇન રીપેર કરીને ટ્રેન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ પ્રકારની ટ્રેન ઉથલાવવાની ઘટનાથી તમામ ડિવિઝનને સતત મોનીટરીંગ કરવા જણાવાયું છે.
જે વ્યકિતએ આ પ્રકારે ફિશપ્લેટ અને ચાવી કાઢી છે તે ટ્રેક વ્યવસ્થાનો જાણકાર હોવાનું માનવામાં આવે છે અને તે ટ્રેક ઉપર જ ફિશપ્લેટ રાખી દીધી હતી. જેથી મોટી દુર્ઘટનાનો ભય હતો. રેલ્વે દ્વારા આ અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે.