- બોલો… વગર મંજુરીએ મસમોટી બિલ્ડીંગ ખડકી દેવાઈ
- આગના કારણે બિલ્ડીંગની ફાયર સેફ્ટી પર પણ પ્રશ્નાર્થ
- વિવાદાસ્પદ રૂંગટા બિલ્ડરની નવી ઈમારતમાં આગ
સુરતઃ જીમ સ્પામાં આગથી બે યુવતીના મોતના કેસમાં અનીલ રૂંગટાને ઉમરા પોલીસમાં જવાબ માટે બોલવતા રૂંગટા ડેવેલોપર્સનું નામ ચર્ચામાં આવ્યું હતું, જો કે તેના વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી ના થતા શહેરીજનોમાં પોલીસ કામગીરી પર પણ પ્રશ્નાર્થ ઉભા થયા હતા. ત્યારે ફરી યુનિવર્સિટી રોડ પર નિર્માણાધીન રૂંગટા બિલ્ડિંગમાં આગ લાગતા શું ફરી અનીલ રૂંગટાને પોલીસ જવાબ માટે બોલાવશે કે કેમ?
ફાયર ઓફિસરે વાત ટાળી
“હજું તો બિલ્ડીંગ બને છે” કહી ફાયર ઓફિસરે વાત તો ટાળી દીધી હતી પણ વગર મંજુરીએ મસમોટી બિલ્ડીંગ કઈ રીતે ખડકી દેવાઈ એવા પણ પ્રશ્નો શહેરીજનોમાં ચર્ચાય રહ્યા છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટથી બીજા માળેથી લાગેલી આગ આઠમા માળ સુધી ફેલાઈ હતી. એલીવેશન અને વાંસના સ્કેફોલ્ડિંગને કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે. ઘટનાથી અફરાતફરી મચી હતી, જો કે ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
15 શ્રમિકોનું રેસક્યું
મહત્વની વાત છે કે સૂત્રો પ્રમાણે બિલ્ડિંગમાં કામ કરતા 15 શ્રમિકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું, પણ આ વાતને પણ ફાયર ઓફિસરે નકારી હતી અને ઉડાવ જવાબો આપ્યા હતા. સદનસીબે હજી સુધી કોઈ જાનહાની નોંધાય નથી પણ આ આગના કારણે બિલ્ડીંગની ફાયર સેફ્ટી તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પર પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.
2024ની આગની ઘટના
સુરતના પોશ વિસ્તાર સિટી લાઇટમાં શિવપૂજા કોમ્પ્લેક્સમાં સ્થિત અમૃતયા સ્પા અને જીમ-11 માં લાગેલી મોટી આગને લઈને પ્રતિષ્ઠિત રૂંગટા ડેવલપર્સના ચેરમેન અનિલ રૂંગટા વિવાદમાં ફસાયા હતા. આ આગમાં સિક્કિમની બે છોકરીઓનું શ્વાસ રૂંઢાવાથી મૃત્યુ થયું હતું. જેના કારણએ અનિલ રૂંગટાને સુરત પોલીસે નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું હતું.
5 નવેમ્બરના રોજ મોલના ઉપરના માળે આગ ફાટી નીકળ્યા બાદ ઝડપથી સ્પા અને જીમને લપેટમાં લઈ ગઈ હતી, જેમાં અંદરના લોકો ફસાઈ ગયા હતા. આગ શોર્ટ સર્કિટ અને સુવિધામાં સંભવિત સલામતી ખામીઓને કારણે લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે અંદર રહેલા લોકો માટે બહાર નીકળવાનો રસ્તો શોધવાનું મુશ્કેલ બન્યું હતું. પીડિતો સમયસર બચી શક્યા ન હતા, બચાવકર્તાઓ પહોંચે તે પહેલાં જ ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
ઉમરા પોલીસે શિવપૂજા સંકુલના બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ ઉર્ફે ભૂપેન્દ્ર પોપટનું નિવેદન નોંધ્યું હતું. તેમના નિવેદનમાં, પટેલે જણાવ્યું હતું કે જ્યાં સ્પા અને જીમ સ્થિત હતું તે મિલકત 2023 માં રૂંગટા ડેવલપર્સના અનિલ રૂંગટાને વેચવામાં આવી હતી. પટેલે પોલીસ સમક્ષ વેચાણ દસ્તાવેજ રજૂ કર્યો હતો જેમાં અનિલ રૂંગટાનું નામ દર્શાવવામાં આવ્યું હતું.
દરમિયાન, VHPના નેતાઓ એવો પ્રચાર કરી રહ્યા હતાં કે રૂંગટા VHPના પ્રમુખ છે અને તેઓ તેમની મિલકતો મુસ્લિમ ભાડૂઆતોને ભાડે નહીં આપે. જો કે રસપ્રદ વાત એ હતી કે શાહનવાઝે તેમના પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે મિલકત અનિલ રૂંગટાની માલિકીની છે અને તે તેમને ભાડું આપી રહ્યો હતો.


