લક્ષ્મી ગ્રુપ પરના આવકવેરા દરોડામાં ટેક્સચોરી અને હવાલા કાંડના પગલે મિલેનિયમ માર્કેટના વેપારીઓ પર પણ કાયદાનો સકંજો કસાશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વસંત ગજેરાના કરચોરી અને હવાલા સંબંધિત મામલામાં મિલેનિયમ -3 માં બુકિંગ કરનાર 800 જેટલા વેપારીઓ સામે આવકવેરા ખાતું નજીકના દિવસોમાં કાર્યવાહી કરશે.
મિલેનિયમ3માં 1250 જેટલી દુકામોમાંથી 800 જેટલી દુકાનોનું બુકિંગ લઇ 1000 કરોડના બ્લેકના રૂપિયા ઉઘરાવી વેપારીઓને ડાયરીઓ પકડાવી દેવાઇ છે. બ્રોકર તરુણ ભગત, આશિષ અગ્રવાલ, રાજકુમાર ગોયલ, દિપક સલામપુરિયા, સુશીલ અગ્રવાલ અને અંકુર ભુતના વોટ્સએપમાંથી બુકિંગની ડાયરીઓ અને પેમેન્ટની વિગતો મળી આવી હતી છે જેનો જવાબ આપવામાં વસંત ગજેરાના પરસેવો છુટી ગયો હતો. આવકવેરાની તપાસમાં મિલેનિયમ 2 અને 4ના દુકાનોના વેચાણના નફાના રૂપિયામાંથી અમુક રૂપિયા હવાલા મારફત હોંગકોંગ નિવાસી રાકેશ ગજેરાને ઇન્વેસ્ટમેન્ટ તરીકે દર્શાવી હવાલા રેકેટ કરાયું હોવાનું સામે આવતા વસંત ગજેરાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
મિલેનિયમ-3 આ પ્રોજેક્ટ શાંતિ રેસીડેન્સી કંપનીના નફામાંથી કંપનીના નામે જમીન ખરીદ કરવાનું નક્કી થયું હતું પરંતુ અહીં પણ વસંત ગજેરાએ પોતાના પાર્ટનર સાથે જ છેતરપિંડી કરી એક કાંકરે બે પક્ષી માર્યા છે. મિલે. 2 અને 4ના બ્લેકના રૂપિયામાંથી એક તો આ મિલે. 3 માટેની જમીન ખરીદી અને બાકી વધેલા રૂપિયા હવાલા દ્વારા વિદેશ મોકલાવી પ્રવિણ ભૂતનો 43 ટકાનો સ્ટેગ રાકેશ ગજેરાના નામે પણ કરાવી લીધો હતો. બીજી તરફ મિલેનિયમ-2 અને મિલેનિયમ 4ના બ્લેકનાં રૂપિયામાંથી મિલેનિયમ 3ની જગ્યા લઇ બાંધકામ કરી 1000 કરોડ રૂપિયા વેપારીઓ પાસેથી લઇ લેવાયા હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે. બ્રોકરોએ પણ 800 દુકાનની બુકિંગની વિગતો આવકવેરા ખાતેને જણાવી દેતા મિલેનિયમ-3માં વસંત ગજેરાએ દુકાનોના વેચાણ પેટે બ્લેકમાં લીધેલા રૂપિયાનો ખુલાસો કરવામાં ગેંગેફેફે થઇ ગયા હતા. મિલેનિયમ-3 માં બુકિંગ કરનારા વેપારીઓ પર હાલ તો ઇનકમ ટેક્સની તલવાર લટકી રહી છે.


