એકતા મોલના અર્બન હાટમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરીયા ઉભા થશે
પી. એમ. એકતા મોલ વાણિજ્યીક કેન્દ્ર નહીં, પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે: જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી
સુરત:મંગળવાર: કેન્દ્ર સરકારના ODOP (વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ) તથા ‘મેક ઈન ઇન્ડિયા’ના વિઝનને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ “પી.એમ. એકતા મોલ”નું સુરતના રૂંઢ ખાતે નિર્માણ થશે. આ મોલમાં ગુજરાતના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનો સાથે દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરીયા ઉભા કરવામાં આવશે. આ “પી. એમ. એકતા મોલ” માં ભારતના તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા ગુજરાતના ૩૩ જિલ્લાની ODOP સાથે GI ટેગ(જિયોગ્રાફીકલ ઇન્ડીકેશન) પ્રોડકટના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. જે માટે ૧૩૪ જેટલાં એમ્પોરીયા / શો રૂમ્સ બનાવાશે. જેથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની વિભાવના સાર્થક થશે.
રૂ. રૂ.૩૩૯ કરોડ પૈકી રૂા. ૨૦૨ કરોડ ભારત સરકાર અને બાકીના રૂા.૧૩૭.૩૦ કરોડ રાજય સરકાર ફાળવશે. હાથશાળ-હસ્તકલા, એગ્રી સેકટર, ફૂડ પ્રોસેસિંગ, મેન્યુફેકચરીંગ, મરીન જેવા સેક્ટરો, સ્ટાર્ટ અપ્સ, MSME, મહિલા ઉધોગસાહસિકોના ઉત્પાદનો મળશે. અહીં કૃષિ ક્ષેત્ર માટે એગ્રીકલ્ચર વિભાગ દ્વારા FPOs -સહકારી મંડળી/સંઘ APMC નો સમાવેશ કરવામાં આવશે.
આ એકતા મોલમાં એમ્પોરીયા / શો રૂમ્સ ઉપરાંત ક્રાફ્ટ ગેલેરી, સેમિનાર હોલ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સેન્ટ્રલ એર-કન્ડીશન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. હસ્તકલા કારીગરોની રહેવાની વ્યવસ્થા માટે ૧૧ માળનું અલગ બિલ્ડીંગ બનશે જેમાં 1 BHK ફ્લેટ્સ, ડોરમેટરીની સુવિધાઓ તેમજ મુલાકાતીઓ અને કારીગરો માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી થશે.
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના રૂંઢ ખાતે કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિર્માણ પામનાર ‘પી.એમ.એકતા મોલ’ની સાઈટ વિઝીટ કરીને મોલના આગામી દિવસોમાં શરૂ થનાર નિર્માણકાર્ય સંબંધિત વિગતો મેળવી હતી. સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ પી. એમ. એકતા મોલ વાણિજ્યીક કેન્દ્ર નહીં, પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે એમ જણાવ્યું હતું.
આ અવસરે સમિતિના અધ્યક્ષ અને સભ્યો ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવશ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ સર્કિટ હાઉસ ખાતે એકતા મોલ સંબંધિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.