બુધવારે અક્ષયતૃતીયાની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. આ દિવસે ખાસ શરૂઆત કરવી લાભદાયી ગણાય છે. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભગવાનને ખાસ ભોગ ચડાવવામાં આવે છે.
ત્યારે અક્ષયતૃતીયા નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં છપ્પનભોગમાં હાફૂસ કેરી, કેરીનો રસ અને ફળોનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. પૂજા વખતે પહેલાં ખાસ અભિષેક કરવામાં આવ્યો હતો અને પછી રામલલ્લાને જાતજાતની વાનગીઓ અને કેરીનો ભોગ ચડાવવામાં આવ્યો હતો.
અક્ષય તૃતીયાના દિવસે મોટા ભાગના મંદિરોમાં છપ્પન ભોગ ધરવામાં આવે છે. આથી અયોધ્યાના મંદિરે ભગવાન રામલલ્લાને પણ કેરીનો ભોગ ધરવામાં આવ્યો હતો.
છપ્પનભોગમાં 56 પ્રકારની ખાદ્ય સામગ્રી પ્રભુને ધરવામાં આવે છે એમાં કેટલાંક ફળો પણ હતાં. ભોગ માટેની કેરી ખાસ મહારાષ્ટ્રથી ગઈ હતી. 11,000 કેરીઓ અને અન્ય ફળોની ટોકરીઓ મહારાષ્ટ્રથી ખાસ રામલલ્લા માટે અયોધ્યા મોકલવામાં આવી હતી. ફળોની સાથે આમરસની બોટલો પણ હતી. ફળોમાં કેરી, દાડમ, સફરજન અને પાઇનેપલ જેવાં ફળોની ટોકરીઓ પણ હતી.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ બીજી અક્ષયતૃતીયા હતી. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને અક્ષયતૃતીયા વખતે કેરીની સીઝન પીક પર હોય છે એટલે મોટા ભાગનાં મંદિરોમાં પ્રભુને કેરીનો ભોગ ધરાવવાની પરંપરા વર્ષોથી પળાતી આવી છે.