સુરત શહેરના રિંગ રોડ સ્થિત મજુરાગેટ વિસ્તારમાં મહિલા ડોક્ટરની આંખની હોસ્પિટલમાં કામ કરતી એક પરિણીત મહિલા પર ડોક્ટરના ડ્રાઇવરે ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં કેસ ચાલતા સરકારી વકીલ દિગંત તેવરની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
વર્ષ 2023માં સુરતમાં રહેતી એક પરિણીત મહિલા રિંગ રોડના મજુરાગેટ વિસ્તારમાં મહિલા ડોક્ટરની આંખની હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરીમાં લાગી હતી. તેનો પતિ બહુમાળી ઇમારતમાં સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં કામ કરતો હતો. નોકરીમાં જોડાયાના માત્ર પંદર દિવસની અંદર, ડૉક્ટરના ડ્રાઇવર, સંજય મિશ્રાએ તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું.
આટલું જ નહીં પણ 2 વાર પરિણિતાને બાઇક પર ઘરે મૂકવાની ઓફર પણ કરી, પરંતુ મહિલાએ તેની સાથે જવાનો ઇનકાર કર્યો તો બીજા દિવસે સાંજે, જ્યારે મહિલા હોસ્પિટલમાં એકલી હતી, ત્યારે સંજય મિશ્રા આવ્યો અને તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાથી મહિલા હેબતાઈ ગઈ હતી. જો કે તેણે હિંમત કરીને તે રાત્રે તેના પતિને ઘટના વિશે જણાવ્યું.
પતિ અને સંબંધીઓએ તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારી વકીલ દિગંત તેવરે આ કેસની ઓનલાઇન દલીલો કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે હત્યામાં વ્યક્તિ ફક્ત એક જ વાર મૃત્યુ પામે છે, પરંતુ જે મહિલાનું સન્માન હનન થાય છે તે દરરોજ મૃત્યુ પામે છે. રેકોર્ડ પરના પુરાવા અને દલીલોને ધ્યાનમાં લેતા, સુરતની 13મી એડિશનલ સેશન્સ કોર્ટ અને સ્પેશિયલ જજ (એટ્રોસિટી) એસ.એમ. ગોવાણીએ આરોપી સંજય મિશ્રાને 10 વર્ષની કેદની સજા ફટકારી દાખલો બેસાડ્યો હતો.


