ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા બનાસકાંઠા જિલ્લા ના ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યા મુજબ “તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવામાં આવી હતી. આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે. શરૂઆતમાં વાવ – સૂઇગામના સરહદી વિસ્તાર ધરાવતા ૨૨ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી. જ્યારે હવે વાવ – સુઈગામના તમામ ૧૨૨ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. વાવના ૪૩ જ્યારે સુઈગામના ૭૯ ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી, શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. કોઈપણ પરિસ્થિત ઊભી થાય તો આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે.”
સુઈગામ પ્રાંત અધિકારી ડૉ.અરવિંદ કુમાર પ્રજાપતિ ના જણાવ્યા મુજબ “સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાઈ છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સાયરન માટે મોક ડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું હતું. તાત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેઈન બન્યા છે.”
ઉલ્લેખનીય છે કે, આ સિસ્ટમ થકી કોઈપણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે. સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે, જે તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સાયરન વાગતા જ અમે સાવચેત થઈ જઈએ છીએ
મારું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું ગામ છે. અમારા ગામમાં સાયરન સિસ્ટમ લગાવામાં આવી છે. જ્યારે પણ સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ તથા ગામની વીજળીની લાઇટ બંધ કરીએ છીએ.
ગૌસ્વામી ગૌતમપુરી, દુધાસણ
અફવાઓ ફેલાતા અમે લોકો ડરતા હતા
દુધાસણ ગામના ઠાકોર રક્ષીસભાઈ જણાવે છે કે, પાકિસ્તાન સરહદે આવેલા અમારા ગામમાં અફવાઓ ફેલાતી હતી તેનાથી અમે લોકો ડરતા હતા પરંતુ સરકારએ અમારા ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે જેનાથી અમોને વધુ સુરક્ષાઓ પ્રદાન થઈ છે.
ઠાકોરરક્ષીસભાઈ, દુધાસણ
સાયરન સિસ્ટમ લગાવતા હવે તુરંત સલામત સ્થળે પહોંચીશું
તાજેતરમાં તંગદિલી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં ચાલતી વિવિધ અફવાઓથી અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે. હવે અમે સુરક્ષિત સ્થળોએ તત્કાલિક પહોંચી શકીશું. – જગદીશભાઈ, બોરુ.


