જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થાયએલ આતંકી હુમલા પછી દેશભરમાં રોષની લાગણી છે. લોકોએ પીએમ મોદીને અપીલ કરી છે કે આ વખતે પાકિસ્તાન સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં પાક આવી નાપાક હરકત ના કરે. બીજી તરફ આ મામલે સરકાર પણ કડક પગલાં લેવાના આક્રમક મૂડમાં છે.
NIA એ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ પોતાના હાથમાં લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, NIAના પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ રચાયેલી એક ટીમે જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમની ટીમો આતંકવાદીઓ વિશે સુરાગ મેળવવા માટે પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ સઘન તપાસ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, કાશ્મીરમાં થયેલા સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંના એકને કારણે બનેલી ઘટનાઓનો ક્રમ જાણવા માટે પ્રત્યક્ષદર્શીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી આ ટીમો આ ભયાનક હુમલા તરફ દોરી જતા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવા માટે પુરાવા એકત્રિત કરવા માટે સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે બીજું મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્ર સરકારે ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારતમાં કુલ 63 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ બંધ કરાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણો પર યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધિત પ્લેટફોર્મ્સમાં ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝના ન્યૂઝ આઉટલેટ્સની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત કરાયેલા અન્ય હેન્ડલમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામાનો સમાવેશ થાય છે.
સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ દુર્ઘટનાને પગલે પડોશીઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, આ યુટ્યુબ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવી રહી છે. જો કોઈ આ ચેનલોને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરશે, તો તેમને આવું લખેલુ વાંચવા મળશે કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારના આદેશને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી અત્રે ઉલ્લેખનીય છે કે 26 પ્રવાસીઓના ભોગ લેનારા પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઘણા પગલાં ભર્યાં છે જેમાં સિંધુ નદીનું પાણી સ્થગિત, પાકિસ્તાનીઓને બહાર કાઢવા, વિઝા કેન્સલ સહિત બીજા પગલાં સામેલ છે.