દેશમાં સ્પામ કોલ્સની વધતી જતી સંખ્યાને રોકવા માટે TRAI એ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કન્ઝ્યુમર પ્રેફરન્સ રેગ્યુલેશન 2018માં સુધારો કરવાનો અને વપરાશકર્તાઓને અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશનથી બચાવવા માટે કડક નિયમો લાદવાનો નિર્ણય લીધો છે.
આ નિયમો 12 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેને આજે લોકસભામાં સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુધારેલા નિયમો 30 દિવસની અંદર સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. જોકે, તેની કેટલીક જોગવાઈઓ 60 દિવસ પછી લાગુ કરવામાં આવશે. નવા સુધારેલા નિયમો લાગુ થાય તે પહેલાં જ ગયા વર્ષે 13 ઓગસ્ટ, 2024 ના રોજ, TRAI એ ટેલિકોમ કંપનીઓને ગેરકાયદેસર ટેલિમાર્કેટર્સના તમામ સંસાધનોને ડિસ્કનેક્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેની મોટી અસર જોવા મળી છે.
ઓગસ્ટ 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન સ્પામ કોલ્સની ફરિયાદોમાં મોટો ઘટાડો થયો છે. TRAI ની કડકતાને કારણે ઓગસ્ટમાં 1,84,419 સ્પામ કોલ અને સંદેશાઓની ફરિયાદો મળી હતી, જે જાન્યુઆરીમાં ઘટીને 1,34,821 થઈ ગઈ. આ ઉપરાંત, TRAI એ 1,150 થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓને બ્લેકલિસ્ટ કર્યા છે. ઉપરાંત, 18.8 લાખથી વધુ ટેલિકોમ સંસાધનોના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.
શું છે નવા સ્પામ વિરોધી નિયમ?
♦ ટ્રાઈ દ્વારા સુધારેલા નિયમોમાં લોકોને હવે તેમની ફરિયાદો નોંધાવવા માટે પહેલા કરતાં વધુ સમય મળશે. વપરાશકર્તાઓ હવે સ્પામ કોલ્સ અને મેસેજીસ વિશે 7 દિવસ સુધી ફરિયાદ કરી શકે છે, જે પહેલા ફક્ત 3 દિવસ માટે હતું.
♦ આ ઉપરાંત સ્પામર્સ સામે ઝડપી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ટેલિકોમ કંપનીઓને ટેલિમાર્કેટર્સ સામે કાર્યવાહી કરવા માટે 30 દિવસનો સમય મળતો હતો, જે હવે 5 દિવસનો કરવામાં આવ્યો છે.
♦ ટ્રાઇએ નિયમોને વધુ કડક બનાવ્યા છે અને ફરિયાદ પ્રણાલીને પણ કડક બનાવી છે. અગાઉ 7 દિવસમાં 10 ફરિયાદ મળે તો જ કાર્યવાહી કરવામાં આવતી હતી. હવે 10 દિવસમાં 5 ફરિયાદો મળશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કડકાઈને કારણે સ્પામ કોલ્સ અથવા સંદેશા મોકલનારાઓ સામે ઝડપથી કાર્યવાહી કરી શકાય છે.