હૃદયની બિમારીના દર્દીઓને પોતાના હૃદયના ધબકારા પર નજર રાખવી ખુબ જ જરૂરી છે. આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને અમેરિકાની મિસોરી યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિકોએ એક પહેરી શકાય તેવી ડીવાઈસ તૈયાર કરી છે. જે હૃદયની દરેક ગતિવિધીનો રેકોર્ડ રાખશે ડિવાઈસની ડિઝાઈન સ્ટારફીશ
આધારીત છે.
આ ડિવાઈસને વિકસીત કરનારા સંશોધકોનું કહેવુ છે કે, તે ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ જેવુ કામ કરશે. જેના માટે હોસ્પિટલનાં ચકકર ખાવા પડે છે.આ સાધનની ખાસિયત એ છે કે તે કોઈ ભારેખમ મશીન વિના માત્ર ત્વચા પર લગાવીને કોઈ જાતની અસુવિધા વિના દર્દીની તપાસ કરી શકાય છે.
પરીક્ષણમાં 91 ટકા ચોકકસ પરિણામો મળ્યા
પરીક્ષણ બાદ સંશોધકોએ લખ્યુ છે કે, આ મશીન હૃદય સબંધી સ્થિતિઓ જેમ કે એટ્રિયલ ફાઈબ્રિલેશન, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરનો પતો લગાવવા 91 ટકાથી વધુ ચોકકસ પરિણામો આપે છે.આ ડિવાઈસનો મિસૌરી યુનિવર્સીટીના સંશોધકોએ વિકસીત કર્યુ છે.
તેમણે પાંચ ભુજાઓ વાળુ ફલેકિસબલ ગેજેટ તૈયાર કર્યું છે જેને કંડકટિવ જેલના સહારે માણસની છાતી (ત્વચા) પર લગાવવામાં આવે છે. જોકે ભવિષ્યમાં તેને વધુ આરામદાયક બનાવવાની યોજના છે. ડિવાઈસમાં બધા ડેટા પ્રોસેસ કરવા માટે એક મીની કોમ્પ્યુટર તેમાં લગાવાયું છે.
ત્રણ સંકેતોથી થશે ઓળખ
આ સાધન વિકસીત કરનાર વિશેષજ્ઞોનું કહેવુ છે કે, નવા સ્ટાર ફિશ ડિવાઈસથી ઈસીજી, એસીસીજી (હૃદયનું કંપન) અને જીસીજી (હૃદયની ગતિ અને મુવમેન્ટ) જેવા સંકેતોને મોનિટર કરવામાં આવે છે. આ સંકેતોથી શરીરની અન્ય ગતિવિધીઓ સાથે જોડાયેલ હલચલની ઓળખ સંભવ છે.