ગુજરાત સરકારે આજે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રને વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030 જાહેર કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું હબ બન્યા બાદ ગુજરાત હવે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રમાં પણ નવી સિદ્ધિઓ મેળવવા તૈયાર છે.
આ પોલિસી અંતર્ગત IN-SPACe, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં સહાયતા મળશે. વર્તમાન સમયમાં સંરક્ષણ, નેવિગેશન, આરોગ્ય સેવા, ઈન્ટરનેટ, ડેટા ટ્રાન્સફર, હવામાનના અંદાજ અને આપત્તિ વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ સેવાઓમાં સ્પેસ ક્ષેત્ર અનિવાર્ય બન્યું છે.
ચંદ્રયાન, મંગળયાન અને SpaDeX જેવા મિશનોથી આપણા દેશની પ્રસિદ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં વર્ષ 2020માં ખાનગી ભાગીદારી માટે સ્પેસ ક્ષેત્ર ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.
ખાનગી ક્ષેત્રો માટે સિંગલ વિન્ડો તરીકે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ( IN-SPACe)ની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આ મહત્વાકાંક્ષી કામગીરીને વેગ આપવા માટે ભારત સરકારે ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023 અને FDIમાં જરૂરી સુધારા જાહેર કર્યા હતા.
સ્પેસટેક નીતિ સેટેલાઇટ પેલોડ્સ અને ભાગોના ઉત્પાદનથી લઈને સંદેશાવ્યવહાર અને પ્રોપલ્શન સિસ્ટમ્સ, ગ્રાઉન્ડ સ્ટેશનો, સેટેલાઇટ નિયંત્રણ કેન્દ્રો અને અવકાશ-આધારિત એપ્લિકેશન ડિઝાઇન સહિત અવકાશ ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે નાણાંકીય અને બિન-નાણાંકીય સહાય પૂરી પાડશે.
ગુજરાત સરકાર આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અવકાશ ટેક્નોલૉજીમાં એક સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.
ગુજરાત સ્પેસટેક પોલિસીના મુખ્ય અંશો
1. સ્પેસટેક મેન્યુફેક્ચરિંગ – ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ (2022-2028) હેઠળ સહાય ઉપરાંત, લૉન્ચ ખર્ચ અને પેટન્ટ ફાઇલિંગ માટે વધારાની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે.
2. ગ્રાઉન્ડ સેગમેન્ટ, સ્પેસ એપ્લિકેશન્સ અને ડિઝાઇન – આ ક્ષેત્રોમાં સામેલ સાહસો ગુજરાત IT/ITeS નીતિ (2022-27) હેઠળ પ્રોત્સાહનો માટે પાત્ર રહેશે.
3. સ્પેસટેક સ્ટાર્ટઅપ્સ – ગુજરાત IT/ITeS નીતિ (2022-27) હેઠળ ICT અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ પ્રોગ્રામ દ્વારા સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવશે.
આ પહેલ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોને ગુજરાતમાં નિર્માણ અને સંચાલન કરવા માટે સશક્ત બનાવશે. ગુજરાત સરકાર એક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના નિર્માણ માટે INSPACe, અવકાશ વિભાગ (ભારત સરકાર) સાથે મળીને કામ કરશે.
જેમાં સામાન્ય તકનીકી સુવિધાઓ સહિત માળખાગત સુવિધાઓ હશે અને તે અવકાશ ક્ષેત્રમાં સાહસોને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત પ્લેટફૉર્મ પૂરું પાડશે. આ નીતિ ગુજરાતના સ્પેસટેક સાહસો માટે સરકારની પ્રતિબદ્ધતા અને મજબૂત સમર્થન સૂચવે છે. ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ, IT/ITeS અને GCC માટે કેન્દ્રિત નીતિઓના તાલમેલ સાથે આ સ્પેસટેક નીતિનો ઉદ્દેશ ગુજરાતને હાઇ-ટેક ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનો અને ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં આગળ વધવાનો છે.