રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ પાનકાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. બેંક એકાઉન્ટ બનાવવાથી લઈને હોટલમાં ચેક ઇન કરવા સુધી આ કાર્ડ્સ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. PAN અને આધાર કાર્ડમાં આપણી અંગત માહિતી હોય છે, જે ખોટા હાથમાં જાય તો આપણને નુકસાન ભોગવવાનો વારો પણ આવી શકે છે.
તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા PAN કાર્ડ 2.0 બહાર પાડવામાં આવ્યું છે. આ કાર્ડ QR કોડ આધારિત હશે અને તે રેગ્યુલર પાન કાર્ડ કરતાં વધુ સુરક્ષિત હોવાનું કહેવાય છે. આ PAN 2.0ને e-PAN કાર્ડ પણ કહેવામાં આવે છે.
જો કે સરકારની જાહેરાત બાદ લોકો આ કાર્ડ વિશે જાણવા માટે ઉત્સુક બની રહ્યા છે. તેમની આ જ ઉત્સુક્તાનો સાયબર માફિયાઓ ગેરલાભ ઉઠાવીને તેમની સાથે ઠગાઈ આચરી રહ્યા છે. હકીકતમાં સાયબર ગઠિયા e-PAN કાર્ડના નામે ઈ-મેઈલ દ્વારા લોકોના ડેટાની ચોરી કરી રહ્યા છે. આ સાથે જ તેમને બેંક ખાતા પણ ખાલી કરવા લાગ્યા છે.
e-PAN કાર્ડ કૌભાંડ એ છેતરપિંડીની નવી તરકીબ છે. જેમાં છેતરપિંડી કરનારાઓ ઈ-મેઈલ મોકલીને સરકારી અધિકારી હોવાનો દાવો કરે છે. ઈ-મેલમાં પાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે . આ ઈ-મેઈલ સંપૂર્ણપણે અધિકૃત દેખાય છે, પરંતુ એવું નથી.
જેવી વ્યક્તિ e-PAN કાર્ડ ડાઉનલોડ લિંક પર ક્લિક કરે છે કે તરત જ તે આવી વેબસાઈટ પર જાય છે. જ્યાં આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજોના નંબર પૂછવામાં આવે છે. આ બધી વિગતો ભર્યા પછી, સાયબર ગઠિયાઓને તમામ જરૂરી માહિતી મળી જાય છે, જેના દ્વારા તે તમારા લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે.
PIB (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો) એ e-PAN કાર્ડ ડાઉનલોડ સંબંધિત ઈ-મેઈલની હકીકત તપાસ પણ કરી છે અને કૌભાંડ અંગે ચેતવણી પણ જારી કરી છે. PIB ફેક્ટ ચેક કહે છે કે, છેતરપિંડી કરનારાઓએ e-PAN કાર્ડ ડાઉનલોડના નામે ઘણા લોકોને ઈ-મેઈલ મોકલ્યા છે.
ઘણા લોકોને ઈ-મેલ પર e-PAN કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક મળી રહી છે, તો ઘણા લોકોને વોટ્સએપ અને SMS પણ મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ મેસેજને ઈગ્નોર કરવો હિતાવહ છે.
કોઈ કૌભાંડો કેવી રીતે ટાળી શકે?
છેતરપિંડીથી બચવા માટે, સૌ પ્રથમ તમારે જાગૃત રહેવાની જરૂર છે. આ માટે કોઈપણ સંદેશ અથવા ઈ-મેલ પર વિશ્વાસ ન કરો અને દરેક લિંક પર ક્લિક કરવાનું ટાળો.
નકલી ઈ-મેઈલ અને સંદેશાઓની ઓળખ કરવી પણ મહત્વપૂર્ણ છે. આ માટે ઈ-મેલની ભાષા અને વ્યાકરણ પર ચોક્કસ ધ્યાન આપો. નકલી ઈ-મેલમાં વિચિત્ર લિંક્સ અને વ્યક્તિગત વિગતો હોઈ શકે છે.
જો તમને કોઈ મેઈલ શંકાસ્પદ લાગે તો તેના પર ક્લિક કરશો નહીં. આ સાથે તેને તરત જ ડિલિટ કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
e-PAN કાર્ડ લોન્ચ થયા બાદથી લોકોમાં એવી ઈચ્છા છે કે, તેને વહેલી તકે મળે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈ-પાન કાર્ડ મેળવવા ઈચ્છો છો, તો તેને ઈ-મેલ, મેસેજ અથવા વોટ્સએપ પર મળેલી લિંક પરથી ડાઉનલોડ કરવાની ભૂલ ન કરો. અધિકૃત વેબસાઈટ પર જઈને જ e-PAN કાર્ડ મેળવો. તમને સત્તાવાર વેબસાઇટ પર ઇ-પાન કાર્ડનો વિકલ્પ મળશે. આ સિવાય ડિજીલોકર પરથી પાન કાર્ડનું ડિજિટલ વર્ઝન પણ જોઈ શકાય છે.