ગાંધીનગરઃ કેન્દ્ર સરકારનું પૂર્ણકાલીન બજેટ રજૂ થયા બાદ ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નવી સરકાર બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કર્યું છે. બજેટનો મુખ્ય હાર્દ ગરીબ, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા ને અનુલક્ષીને છે. બજેટમાં રોજગારી પર વધુ ભાર મૂક્યો છે. યુવાનો પોતાની રીતે વ્યવસાય કરી શકે એ પ્રકારના કૌશલ્યવર્ધન માટેના પ્રયાસો થયા છે. નવી ટેકનોલોજી નો સમાવેશ કરીને શિક્ષણ આપીને કૌશલ્ય વધારવાના પ્રયાસો થશે.
દરેક રાજ્યો માટે 1. લાખ 50 હજાર કરોડની સરકારે લોન આપવાનું નક્કી કર્યું છે જેના લીધે ટુરિઝમ વધશે, ઇન્ફ્રાસ્ટ્રકચર વધશે અને રોજગારી વધશે. 1 કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી શકે એ માટે સહાય આપવામાં આવશે. જે પ્રોડક્ટ પેદા થાય એ માટે બ્રાન્ડીંગ કરવામાં આવશે. આ બજેટની મોટી વિશેષતા એ છે કે 11,11,111 કરોડનું મૂડી ખર્ચનું આયોજન છે જેનાથી રોડ, રેલવે, બુલેટ અને મેટ્રો ટ્રેન જેવી સુવિધા માટે ઉપયોગમાં લેવાશે જેનાથી પણ રોજગારી વધશે. જે યુવાનો રોજગારી માટે જોડાશે એમાં સૌ પ્રથમ 2 કરોડ યુવાનોને પ્રથમ પગાર ડીબીટી મારફતે જોડાશે.
3 કરોડ આવાસ બનાવાશે. 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. દરેક પગારદારને પણ ઓછામાં ઓછા 8 થી 10 હજારનો ફાયદો થશે. ક્લાઈમેટ ચેન્જ માં ગુજરાત ભાગ ભજવી રહ્યું છે ત્યારે સોલર ઊર્જા અને પવન ઊર્જામાં ગુજરાત નંબર 1 છે ત્યારે આ બજેટમાં સોલર પેનલ અને સોલર કોમ્પોનન્ટ ટેક્સ અને ડ્યુટી ઘટાડવામાં આવી છે. ઉર્જા માટેના જે આયામ છે એમાં સૌથી વધારે ફાળો ગુજરાતનો છે.
ગુજરાત ને દરેક વખતે અને દરેક બજેટ અને દરેક યોજનામાં આગળ છે એટલે જ ગુજરાત ગ્રોથ એન્જીન છે. ગુજરાતની નાણાકીય સ્થિતિ દેશના કોઈ પણ રાજ્ય કરતાં વધારે છે. આઈએફએસસી માટે જાહેરાત છે જેનાથી ગિફ્ટ સિટીને ફાયદો થશે. ગુજરાતને જીએસટીનું એક પણ રીફંડ બાકી નથી.