સમાજ હિત માટે જે ખોટું છે તેને ખોટું કહે અને સાચું છે તેને સાચું કહે એ પત્રકારનો ધર્મ છે” -મનોજ મિસ્ત્રી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં આજે સાંપ્રત સમયમાં પત્રકારત્વની ભૂમિકા પર વિશેષ વ્યાખ્યાન કાર્યકારી ફુલપતિ ડો કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજભાઈ મિસ્ત્રી મુખ્ય અતિથિ અને વ્યાખ્યાતા હતા.
કાર્યક્રમના આરંભે ડો. ઠાકોરે ઉપસ્થિત મહિમાનો અને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એ વિષયને અનુરૂપ પત્રકારત્વનો સમાજ માટે સદુપયોગ મનોજભાઈ મિસ્ત્રીએ કેવી રીતે કર્યો હતો તેના વિશે વિગતે વાત કરી હતી. કુલપતિના સંક્ષિપ્ત પ્રવચન બાદ ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રીએ પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓને પોતાના બહોળા અનુભવ, વિચારસરણી અને કલમની તાકાતનો પરિચય કરાવ્યો હતો.
વ્યાખ્યાનમાં તેમણે પત્રકારત્વ જગતની વાસ્તવિકતાથી લઈને પત્રકારની સમાજ પ્રત્યેની ફરજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં, તેમણે પત્રકારોની સમાજ પ્રત્યેની ફરજોને પત્રકારોનો ધર્મ લેખાવી હતી. ૪૪ વર્ષથી આ ક્ષેત્રમાં જુદી જુદી ભૂમિકાઓ અને બાર વર્ષ કરતા વધારે તથા આજપર્યંત તેમણે તંત્રી તરીકેની ભૂમિકા નિભાવતા સમાજ અને પત્રકારત્વ જગત માટે આપેલા યોગદાન વિશે વાત કરી હતી. તેઓએ સાંપ્રત સમયની વ્યાખ્યાથી માંડીને ભૂમિકા સુધીના અનેક બિંદુઓને પોતાના વ્યાખ્યાનમાં આવરી લીધા હતા, સાથેસાથે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના જવાબ આપી તેમને પ્રોત્સાહન પણ આપ્યું હતું.
સાંપ્રત સમયના પત્રકારત્વ પર વિચાર રજૂ કરતા તેમને તાત્વિક અંદાજમાં કહ્યું હતું કે સમય ક્યારેય સાંપ્રત હોતો નથી, તે સદૈવ બદલાતો રહે છે. તેમણે પોતાના વ્યાખ્યાનમાં સમય બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમય સાથે બદલાવ આવશ્યક છે, જે પત્રકારત્વ જગતમાં પણ અનેક રૂપે દેખાઈ આવે છે. પત્રકારત્વ એ વિચાર છે. દરેક વ્યક્તિ જેને કોઈ પણ વિચાર આવે છે, પોતાના મનમાં સારી ખરાબ બાબતો વિશે પ્રશ્નો કરતો હોય છે તે દરેક વ્યક્તિમાં પત્રકારત્વના તત્વો પડેલા છે તેમ તેમણે પત્રકારત્વના મનોજગત વિશે કહ્યું હતું. આજના સમયમાં આ પ્રકારના વિચારો સામે લાવવા માટે એક વિશેષ માધ્યમ આપણને મળ્યું છે, જે ડિજિટલ માધ્યમ છે.
પત્રકાર અને પત્રકારત્વના કાર્ય વિશે જણાવતા તેમને કહ્યું હતું કે, રાજ્ય, દેશ અને દુનિયામાં જે પણ ખોટું થઈ રહ્યું છે, એને લોકો સમક્ષ લાવવું એ પત્રકાર અને પત્રકારત્વની ફરજ છે. પત્રકારની નીડરતા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, વાતો ઘણી હોય છે, પરંતુ એમાંથી જે સાચી વાતને નીડરતાથી લોકો સામે લાવે, તે પત્રકાર છે. તેમને સાંપ્રત સમયના પત્રકારત્વમાં મીડિયા ટેકનોલોજીના ઉપયોગ બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમય સાથે બધું બદલાતું રહેશે અને એ બદલતા યુગમાં આવતી નવી ટેક્નોલોજીનો ઉપયોગ સમાજહિતમાં, પત્રકારત્વના નીતિશાસ્ત્રના સંદર્ભે કરવો.
તેમણે તેમના અનુભવના આધારે કલમની તાકાતનો પરિચય આપતા જણાવ્યું હતું કે, કલમમાં સૌથી વધુ તાકાત છે. તેથી સાચું વિચારવું, સાચું લખવું, કલમનો સાચો ઉપયોગ કરવો, અને વિવેક પૂર્ણ ઉપયોગ કરવો. વ્યાખ્યાનના અંતે શ્રી મિસ્ત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા પત્રકારત્વ સંબંધે પૂછાયેલા જુદા જુદા પ્રશ્નોના વિગતે ઉત્તર આપી વિદ્યાર્થીઓના મનનું સમાધાન કર્યું હતું.
કાર્યક્રમના અંતે ડો. ભરત ઠાકોરે સમાપન પ્રવચન અને આભાર વિધિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પત્રકાર અને પત્રકારત્વ શું છે અને તેની માહિતી પત્રકારત્વ જગતમાં કાર્યરત વ્યક્તિ પાસેથી જ્યારે મળે, ત્યારે લોકોના મન પર તેનો વિશેષ પ્રભાવ પડે છે. પત્રકારત્વનો ઉપયોગ સમાજમાં વિધાયક બળ તરીકે કરવો જોઈએ તેમ કહી તેમણે કાર્યક્રમની સમાપ્તિની જાહેરાત કરી હતી. આમાં યુનિવર્સિટીના કુલ સચિવ ડો રમેશદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિ હતી અને નિમંત્રક હતા, પત્રકારત્વ વિભાગના કો-ઓર્ડીનેટર ડો ભરતભાઈ ઠાકોર.