• ૧૦ નેત્રશીબીરમાં મળેલા ૨૦૦થી વધુ મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન થયા
• દ્રષ્ટિ મળવાની આશા ગુમાવી ચૂકેલા ફરી દેખતા થતા અદાણી ફાઉન્ડેશન અને એસવીએનએમને દુઆઓ આપી
સુરત : હજીરા નજીકના ભાંડુત ગામના ૮૦ વર્ષીય ડાહીબેન આહીર એકલવાયું જીવન જીવે છે. એમની બંને આંખે મોતિયો એકદમ પાકી ગયેલો. પણ એમને દવાખાને કોણ લઈ જાય? ઓપરેશન દરમિયાન અને એ પછી રાખવાની કાળજી કોણ રાખે? મનમાં ઊંડે ઓપરેશન અંગેનો ભય પણ. એ બધા જ કારણે ડાહીબેન આહીર ઓપરેશન કરાવતા ન હતા. પછી ગામના ઉપસરપંચ હેમંત પટેલની સમજાવટ અને સધ્યારા પછી એ તૈયાર થયા.
ભાંડુત ગામે અદાણી ફાઉન્ડેશન અને એસવીએનએમ (સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર) દ્વારા નેત્ર ચીકીત્સાનો કેમ્પ લાગ્યો. ડાહીબેન અને એમના જેવા અનેકની ચકાસણી થઈ. જેમને ઓપરેશનની જરૂર હતી એમને એમના ગામથી હોસ્પિટલ સુધી લઈ જવાની અને પાછા મૂકી જવાની વ્યવસ્થા કરવામાં આવી અને મોતિયાનું ઓપરેશન સંપૂર્ણ નિશુલ્ક કરવામાં આવ્યું. ડાહીબેનની આંખ આગળના અંધારા દૂર થયા અને ફરી અજવાળા પથરાયા. ઘરના રોજિંદા કામ પોતે કરતાં થયા અને પછી બસ એમને દેખતા કરનાર માટે દુઆના ધોધ વહાવતા જાય છે.
વાત એકલા ડાહીબેનની નથી. એવું જ વિધવા તરુબેનની પણ છે. ઉમરપાડા અંતરિયાળ ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા ૭૦ વર્ષના તરુબેનને પણ સુરત સુધી લાવીને સારવાર થઈ અને હવે એ કામ પણ કરી શકે છે. ઘરમાં એકલા જ કમાનાર મીનેશ કંથારીયાને દુર્લભ પ્રકારના મોતિયાને દૂર કરીને ફરી કામ ઉપર પરત ફર્યા છે. પરંતુ એક સર્વે મુજબ અંધત્વના ૬૨ ટકા કેસમાં સારવાર ન કરાવેલ મોતિયા કારણભૂત છે એવું જણાયું છે. ગ્રામીણ ભારતમાં આ પ્રમાણ ખૂબ વધુ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા SVNM હોસ્પિટલની ભાગીદારી કરીને આ નાણાંકીય વર્ષમાં સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ અને ઉમરપાડાના દસ ગામમાં નેત્ર શિબિર કરી હતી.જેમાં વંચિત સમુદાયોમાં દ્રષ્ટિની ક્ષતિના વહેલા નિદાન અને સારવારને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
ગ્રામીણ વિસ્તારમાં કેટલાક ભય ને ખોટી માન્યતાઓને કારણે નેત્ર ચકાસણી અને સારવારમાં બહુ બેદરકારી જોવા મળે છે. લોકોને વિશ્વાસ આવે અને વધુ લોકો સુધી સેવા પહોંચે એ માટે ગામના સરપંચ અને આગેવાનોને આ પ્રવૃતિમાં સાથે જોડીને લોકોના મનના ભય અને નાણાકીય અવરોધ જેવા પડકારોને દૂર કર્યા. અદ્યતન ટાંકા વગરની FAICO ટેકનોલોજીના ઉપયોગથી કરેલી શસ્ત્રક્રિયા અને સારવારથી લોકોનો વિશ્વાસ વધ્યો અને વધુ લોકોએ એનો લાભ લીધો.
સુરત જિલ્લામાં યોજાયેલી દસ શિબિરમાં 1399 થી વધુ વ્યક્તિઓએ શિબિરમાં હાજરી આપી હતી. જેમાં 480 નજીકના દ્રષ્ટિના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને શંકાસ્પદ મોતિયાની સ્થિતિ ધરાવતા 503 લોકોને ઓળખવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2025 સુધીમાં 204 સફળ શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી હતી, જેનાથી દૃષ્ટિ પુનઃસ્થાપિત થઈ હતી અને જીવનમાં પરિવર્તન આવ્યું છે. અનેક આંખોની રોશની પાછી આવી છે. અદાણી ફાઉન્ડેશન દ્વાર માર્ગદર્શન અને વ્યવસ્થાની સાથે જ ઓપરેશન કરી દ્રષ્ટિ પાછી મળવી એ SVNM તબીબી સજ્જતાનો દાખલો છે.