કેન્દ્ર સરકાર દેશભરની હોસ્પિટલો, નર્સીંગ હોમ અને તપાસ કેન્દ્રોમાં બિલીંગ પ્રક્રિયાને પારદર્શી અને એક સમાન બનાવવાની તૈયારી કરી રહી છે. તેના માટે સરકાર ટુંક સમયમાં જ બધા સ્વાસ્થ્ય સંસ્થાનો માટે એક માન્ય બિલિંગ ફોર્મેટ રજુ કરશે. તેમાં સારવારનાં ખર્ચની વિસ્તૃત વિગત ફરજીયાત આપવી પડશે. આ કવાયતનો ઉદેશ બિલીંગમાં થતી ગરબડો અને હોસ્પિટલોની મનમાની રોકવાનો છે.
સુત્રોના જણાવ્યા મુજબ નવા બિલીંગ ફોર્મેટને ભારતીય માનક બ્યુરો અને સ્વાસ્થ્ય મંત્રાલય મળીને તૈયાર કરી રહ્યા છે. નવા ફોર્મેટમાં બિલમાં સામેલ થનાર અનિવાર્ય અને વૈકલ્પિક ચીજોને પણ નિર્ધારીત કરવામાં આવી છે એથી દર્દીઓને એ સમજવામાં સરળતા રહેશે કે તેના પૈસાનો કયાં ઉપયોગ કર્યો.
દર્દીઓને થશે ફાયદો:
બિલનો દરેક ભાગ સમજવાનો મોકો મળશે હાલ બિલમાં ઘણીવાર એક સાથે રકમ બતાવવામાં આવે છે. જેમાં એ નથી બતાવાતું કે કેટલા પૈસા કયાં ખર્ચાયા નવા ફોર્મેટમાં જરૂરત પડવા પર બિલની તપાસ કરી શકાશે અને ખોટો ચાર્જ લાગવા પર ફરિયાદ પણ કરી શકશે.
વીમા દાવાના નિકાલમાં સરળતા રહેશે:
આ ઉપરાંત આ નિયમ સ્વાસ્થ્ય વીમા કંપનીઓ માટે પણ મદદરૂપ નીવડશે. એક સરખા બિલીંગ ફોર્મેટથી વીમા દાવાની ચકાસણીને વેરીફાઈ કરવી સરળ રહેશે.સાથે સાથે કેન્દ્ર-રાજયની સ્વાસ્થ્ય યોજનાઓ જેમ કે આયુષ્યમાન ભારતને લાગુ કરવામાં પણ મદદ મળશે. દર્દીઓને એ ભરોસો મળશે કે તેની સાથે કોઈ ઠગાઈ નહિં થાય.
બિલમાં આટલી જાણકારી જરૂરી:
ચિકિત્સાની પ્રક્રિયા એટલે કે રોજનું રૂમનુ ભાડુ, રૂમનો પ્રકાર, ડોકટર-નિષ્ણાંતોનો ચાર્જ, ઓપરેશન ચાર્જ વગેરે દવાઓમાં વિતરીત દવાઓની યાદી, દવાની માત્રા, કિંમત એકસપાયરી ડેટ વગેરે. ઉપરાંત અન્ય વિગતોમાં ઈમરજન્સી સંપર્ક, ડોકટરોનું પદ નામ વળતર-રાહતો વગેરે વિવરણ આપવુ પડશે.