T20 વર્લ્ડ કપમાં ભારત દ્વારા ખિતાબ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે કહ્યું હતું કે તે ભારત માટે વનડે અને ટેસ્ટમાં રમવાનું ચાલુ રાખશે, પરંતુ હવે તેણે પોતાના ભવિષ્યને લઈને મૌન તોડ્યું છે. નોંધનીય છે કે ભારતે તાજેતરમાં જ રોહિતની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને ICC ટ્રોફી જીતવાના 11 વર્ષના દુકાળનો અંત આણ્યો હતો.
રોહિત અમેરિકાના ડલાસમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. આ દરમિયાન જ્યારે રોહિતને તેના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે ભવિષ્ય વિશે વધુ વિચારતો વ્યક્તિ નથી, પરંતુ ભારતીય કેપ્ટને આગળ પણ રમવાની આશા વ્યક્ત કરી હતી. રોહિતે કહ્યું, મેં પહેલેથી જ કહ્યું છે કે હું બહુ આગળ વિચારતો વ્યક્તિ નથી. તેથી તે સ્પષ્ટ છે કે તમે મને આવનારા કેટલાક સમય માટે રમતા જોશો.
T20માં રોહિતનો રેકોર્ડ શાનદાર રહ્યો હતો
રોહિતે T20માં 159 મેચમાં 4231 રન બનાવ્યા અને આ ફોર્મેટમાં સૌથી વધુ પાંચ સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે તેની કારકિર્દીમાં બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત 2007માં T20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ હતો અને હવે તેણે પોતાની કેપ્ટનશિપમાં આ ખિતાબ પણ જીત્યો હતો. રોહિતની સાથે વિરાટ કોહલીએ પણ ઈન્ટરનેશનલ ટી-20માંથી સંન્યાસ લઈ લીધો હતો. ટી20માં ભારતને નવો કેપ્ટન મળશે, પરંતુ રોહિત વનડે અને ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે.
T20માંથી નિવૃત્તિ લેતી વખતે રોહિતે શું કહ્યું?
રોહિતે T20 વર્લ્ડ કપની ટાઈટલ મેચ બાદ કહ્યું હતું કે, અલવિદા કહેવા માટે આનાથી સારો સમય હોઈ શકે નહીં. આ મારી છેલ્લી મેચ પણ હતી. જ્યારથી મેં તેને રમવાનું શરૂ કર્યું ત્યારથી મેં આ ફોર્મેટનો આનંદ માણ્યો છે. મેં તેની દરેક ક્ષણને પ્રેમ કર્યો છે. આ હું ઇચ્છતો હતો. હું કપ જીતવા માંગતો હતો.