ગુજરાતના બે દિવસના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવસારી પહોંચ્યા હતા અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં સામેલ થઇને નારી શકિતને નમન કર્યા હતા.
સુરતમાં ગઇકાલે રોડ-શો સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ આજે સવારે તેઓ હેલીકોપ્ટર મારફત નવસારી આવી પહોંચ્યા હતા. બોરસી હેલીપેડ પર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલીપેડ નજીક જ બનાવવામાં આવેલા ડોમમાં લખપતિ દીદી સાથે સંવાદ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. હેલીપેડથી ડોમ સુધી 700 મીટરનો રોડ-શો યોજવામાં આવ્યો હતો અને અલગ જ અંદાજમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની સુરક્ષા જવાબદારી આજે મહિલા જવાનોને સોંપવામાં આવી હતી. વડાપ્રધાનના કાફલાની આગળ 300 બહેનો રહી હતી. બે નંબરના ગેટ પર 1પ0 મહિલાઓએ ગુજરાતની ઓળખ સમા સાંસ્કૃતિક ગરબા પેશ કર્યા હતા. ગેટ નં.-3 પાસે મહિલા વકીલ અને મહિલા ડોકટરોના હસ્તે સ્વાગત રાખવામાં આવ્યું હતું.
ત્યારે 4 નંબરના ગેઇટ પર કળશધારી મહિલાઓ વડાપ્રધાનના કાફલાની આગળ ચાલી હતી. પાંચ નંબરના ગેટ પર 400 મહિલાઓ મોદીના કટઆઉટ સાથે ઉભી રહી હતી. વડાપ્રધાનનો નવસારીના મહિલા દિવસના કાર્યક્રમમાં અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને જનસભામાં મહિલા દિવસ નિમિત્તે નારી શકિતને નમન કર્યા હતા.
તેઓના યોગદાનની ગાથા વર્ણવી હતી. આ તકે જી-સફળ અને જી-મૈત્રી યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને પગલે નવસારીમાં લોકોનો અભુતપૂર્વક ઉત્સાહ જોવા મળ્યો હતો અને વડાપ્રધાનની ઝલક મેળવવા માટે લોકો ઉમટયા હતા.