હોળી-ધુળેટીના પર્વ પર રંગ ઉડાડવામાં નિયમ પાડવા પડશે નહિતર લોકઅપના દર્શન પણ કરવા પડશે. હોળી-ધુળેટીના પૈસા ઉઘરાવનાર સામે ગુનો નોંધાશે, પાણી ભરેલા ફુગ્ગાના ઘા નહિ કરી શકાય. કાદવ, રંગ મિશ્રિત પાણી, તૈલી પદાર્થો, કોરા રંગ પણ નહીં ઉડાવી શકાય જે માટે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
આગામી તા.13 ના હોળી તથા તા.14 ના ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. ધાર્મિક તેમજ સામાજીક પર્વની ઉજવણી શહેરના જુદા-જુદા મહોલ્લાઓ, સાર્વજનીક જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓમાં થતી હોય છે.
પર્વમાં પુરૂષો, મહિલાઓ તથા બાળકો જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓએ જતાં આવતાં રાહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, તૈલી પદાર્થો, કે તૈલી વસ્તુઓ ફેંકતાં હોય છે જેને લીધે જાહેર રસ્તાઓમાં ચાલતા જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની તેમજ જાહેર સલામતી જોખમાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવી શકયતા ઉભી થાય છે.
સામાન્ય સંજોગોમાં હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. હોળી પર્વની ઉજવણી શાંતી અને કોમી એખલાશ ભર્યા વાતાવરણમાં થાય અને જાહેર સલામતી તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા હોળી તેમજ ધુળેટીના તહેવાર દરમ્યાન કોઈ પણ પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ ઉપર કે જાહેર જગ્યાઓ પર આવતાં-જતાં રાહદારીઓ ઉપર કે એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકવા નહી અને તે માટેના સાધનો પોતાની સાથે લઈ જવા નહી.
હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહી તેમજ જાહેર રસ્તાઓ ઉપર આમ તેમ દોડવું નહી કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનુ વર્તન કરવું નહી કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈ ને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિથી ટ્રાફિકને અડચણ કરનાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.