મુંબઈ: બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાના જી – ઉત્તર વિભાગના મદદનીશ કમિશ્નર દ્વારા આજે જારી કરવામાં આવેલા એક આદેશ મુજબ ધારાવીમાં વીએલટી હેઠળ આવેલી તમામ મિલકત 2021ના એક નોટિફિકેશન હેઠળ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના અધિકાર ક્ષેત્ર હેઠળ મૂકવામાં આવી છે. મદદનીશ કમિશ્નરે સંબંધિત વિભાગોને આ નોટિફિકેશનને ટાકીને આદેશ આપ્યો છે કે આવી કોઈ પણ મિલતને લગતી કોઈ પણ બાબતે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ – ઓથોરિટીની પૂર્વ મંજૂરી લીધા વિના કોઈ પણ નિર્ણય લેવો નહીં.
બીએમસીએ 12મી ઑગસ્ટ, 2021ના રોજની ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની ઓથોરિટી હેઠળ આવતી મિલકતો બાબતે તારીખ 12મી ઑગસ્ટ, 2021ના રોજની અધિસૂચના ક્રમાંક 277 તેમજ અન્ય અધિસૂચના મુજબ બૃહદ્ – મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકાર ક્ષેત્ર હેઠળના મિલકત વિભાગ હેઠળની ફ્રી હોલ્ડ, લીઝ હોલ્ડ અને ખાલી જમીન (વી.એલ.ટી.) તેમજ અન્ય તમામ મિલકતોનો ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અધિસૂચના (નોટિફિકેશન)ના અમલની તારીખથી ફ્રી હોલ્ડ, લીઝ હોલ્ડ અને ખાલી જમીન (વીએલટી) તેમજ અન્ય તમામ મિલકતો સંબંધિત કોઈ કેસ મિલકત વિભાગ હેઠળ તબદીલ નહીં કરવાની સ્પષ્ટ સૂચના બીએમસીએ સંબંધિત તમામ વિભાગોને આપેલી છે.
બીએમસીએ જણાવ્યું છે કે જો અધિસૂચનાના અમલીકરણની તારીખ પછી કોઈ બાબત ટ્રાન્સફર કરવામાં આવી હોય, તો તેવા કેસોને સક્ષમ અધિકારીઓની મંજૂરીથી ઉલટાવી દેવા. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ – ઓથોરિટી હેઠળ આવતા બૃહદ્ – મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન અને અધિકાર હેઠળના વિસ્તારની મિલકત, ભાડાપટ્ટે આપેલી મિલકત અને ખાલી જમીન (વીએલટી) તેમજ અન્ય તમામ મિલકતો અંગે કોઈ નિર્ણય લેતાં પહેલાં આ કેસો બાબતે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ – ઓથોરિટીના સક્ષમ અધિકારીઓની પૂર્વ પરવાનગી – મંજૂરી – અભિપ્રાય – મંતવ્ય વગેરે મેળવ્યા પછી જ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવી.