મહાકુંભ નગરીમાં પુણ્ય કર્મ માટે લોકો હજારો લોકોનાં જઠરાગ્નિ ઠારી રહ્યા છે.મહાકુંભમાં દરેક જગ્યાએ 500 થી વધુ ભંડારા ચાલી રહ્યા છે. જયાં લાખો શ્રધ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આટલી મોટી ભોજન અને પ્રસાદ ઉપલબ્ધ કરાવવા માટે અન્નક્ષેત્રમાં મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળા ક્ષેત્રમાં સૌથી મોટા રસોઈ સેકટર 19 માં આવેલ ઈસ્કોન આંતર રાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘનુ છે જયાં ત્રણ ઓટોમેટીક મશીનો પર એક કલાકમાં ચાલીસ હજાર રોટલીઓ બને છે.
રસોઈના આસીસ્ટંટ ઈન્ચાર્જ રાધાકુંડદાસે જણાવ્યું હતું કે અહી લોટ બાંધવા, શાકભાજી સમારવા વગેરેનાં મશીનોની સાથે સાથે 100 થી વધુ લોકો મહાપ્રસાદ બનાવી રહ્યા છે. ઈસ્કોનનું જ એક મેગા કીચન પ્રયાગરાજ જંકશન પાસે પણ છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સહયોગથી બન્ને કીચનથી દરરોજ દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભોજનની સેવા કરવામાં આવી રહી છે.
મેળા ક્ષેત્રમાં 7 ભંડારા:
લાલ મહેન્દ્ર શિવશકિત સેવા સમિતિ તરફથી ઓમ નમ:શિવાય નામે 7 જગ્યાએ ભંડારો ચાલી રહ્યો છે. સેવાભાવી વિશાલે જણાવ્યું હતું કે રોજ 13-14 કવિન્ટલ લોટનો વપરાશ થાય છે. કડાઈમાં એક વખતમાં 40 કિવન્ટલ બટેટા, અઢી કવીન્ટલ ટમેટાથી શાક બને છે.
વિશાળ ચુલા પર બને છે પ્રસાદ
પુલી સીસ્ટમથી મોટા વાસણો ઉઠાવીને પ્લેટફોર્મ પર રાખવામાં આવે છે અને પછી પાટા પર એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. મશીનો 15 મીનીટમાં 50 કિલો લોટ બાંધી દે છે. કિચનમાં 15 લાકડાથી અને 10 ગેસથી સળગતા ચુલા છે.
મશીનોથી બને છે હજારોનું ભોજન
સેકટર 6 સ્થિત અક્ષય પાત્રની શિબીરમાં દરરોજ 20 હજાર શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.અહી મોટાભાગનું કામ મશીનથી થઈ રહ્યું છે.ચોખા માટે ખાસ કુકર છે. જેમાં એક સમયે વધુમાં વધુ 110 કિલો ચોખા ચડે છે.