નિકોલના ગજેરા એન્ડ એસોસીએ ફર્મવાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલમ મગનભાઇ ગજેરાએ પોતાના એકાઉન્ટન્ટના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાંથી કરોડો રૂપિયાના હવાલા પાડી મની લોન્ડરીંગ કર્યું હોવાના આક્ષેપ સાથે કર્મચારીએ ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કર્મચારીનો આક્ષેપ છે કે નિલમ ગજેરાએ ઘણા કર્મચારીઓના એકાઉન્ટ ખોલાવીને પણ મની લોંન્ડરીંગ કર્યુ છે. આ તપાસમાં જરૂર જણાય તો ક્રાઇમબ્રાંચ સેન્ટ્રલ એજન્સીઓની પણ મદદ લેશે.
નવા નરોડા ખાતે રહેતો પિયુષ પરષોત્તમ પડસાળાએ લાંબા સમય સુધી નિકોલ ખાતેા આદેશ્વર ગોલ્ડ બિલ્ડીંગમાં આવેલા ગજેરા એન્ડ એસોસીએમાં સીએની ઓફીસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું હતું. હાલ તી બીજી ઓફીસમાં કામ કરે છે. તેણે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોધાવી છે તે જ્યારે ગજેરા એન્ડ એસોસીએમાં સીએ નિલમ ગજેરા સાથે કામ કરતો હતો ત્યારે તા. 7-3-2024ના રોજ નિમલ ગજેરાએ તેનું બેંક એકાઉન્ટ ઇન્ડીય બેંકમાં ખોલાવ્યું હતું. જેમાં પિષુયનો જ મોબાઇલ નંબર રજીસ્ટર્ડ કરાવ્યો હતો. હવે આ એકાઉન્ટ નિલમ ગજેરા જ ઓપરેટ કરતો હોવાથી તે ચેક બુકમાં પિયુષની સહી કરાવી તેની પાસે રાખતો હતો.
હવે નિલમ આ એકાઉન્ટમાંથી મોટા વ્યવહારો પણ કરતો હતો. વર્ષ 2018માં નિલમે પિયુષને ફર્માં 20 ટકાની ભાગીદારીના ઓફર પણ કરી હતી. હવે નિમલ તેના એકાઉન્ટમાંથી મોટા વ્યવહારો કરતાં પિયુષને શંકા ગઇ કે તેના ખાતામાંથી મની લોન્ડરીંગ થઇ રહ્યું છે. માટે તેણે નિલમને આ એકાઉન્ટ બંધ કરી દેવા માટે જણાવ્યું હતું. જેને પગલે ઉશ્કેરાઇ ગયેલા નિલમે તેને ગાળો આપી ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હોવાનો પિયુષનો આક્ષેપ છે. આ ત્રાસથી કંટાળીને પિયુષે નોકરી પણ છોડી દીધી હતી તેમ છતાં નિમલ તેના એકાઉન્ટનો ઉપગયો કરી રહ્યો છે. જેને પગલે પિયુષે નિલમ ગજેરા (રહે. વેદ બંગલોઝ. નિકોલ પોલીસ સ્ટેશન સામે ) વિરૂદ્ધ 19-9-2023ના રોજ નિકોલ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેની ફરીયાદ નવ મહિના બાદ ક્રાઇમબ્રાંચે નોંધીને તપાસ શરૂ કરી છે. આ પ્રકરણની તપાસ ક્રાઇમબ્રાંચના વ્યસ્ત પોલીસ ઇન્સ્પેકટર જે.એચ. સિંધવ કરી રહ્યા છે.
ઝડપી કામગીરીની વાતો કરતી અમદાવાદ પોલીસને ફરીયાદ નોંધવામાં નવ મહિના લાગ્યા
અમદાવાદ પોલીસ દ્વારા અરજદારોની ફરીયાદ નોંધવામાં કોઇ જ ઢીલ કરવામાં આવતી નથી. તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જ આ ફરીયાદ નોંધાવામાં નવ મહિના કરતાં વધારે સમય લાગ્યો છે. જોકે ફાઇનાન્સીયલ ફ્રોડની તપાસ કરીને જ ફરીયાદ થાય તેની તકેદારી લેવામાં આવી રહી છે પરંતુ આ પ્રક્રીયામાં એટલો સમય લાગી જતો હોય છે કે ઘણી વખત ગુનેગારોને ભાગી જવાનો સમય મળી જતો હોય.