ગાંધીનગરઃ ગુજરાત એટીએસના અધિકારીઓએ બુધવારે સવારે કચ્છના મુદ્રાના ધ્ર અને લખપતના પુલરા તેમજ ઘડુલી ગામમાંથી ચાર શકંમદોની અટકાયત કરી હતી. સેન્ટ્રલ આઇબીએ રિપોર્ટ આપ્યો હતો કે આ લોકો પાકિસ્તાનમાં કેટલીક સંવેદનશીલ વિગતો મોકલતા હતા. જેના બદલામાં તેમને આર્થિક મદદ કરવામાં આવતી હતી. એટીએસને કેટલાંક પુરાવા પણ હાથ લાગ્યા છે. જેના આધારે તેમની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી કૃત્ય કરીને માહિતી પહોંચાડવામાં આવતી હતી એટીએસને તપાસ દરમિયાન મહત્વના પુરાવા હાથ લાગ્યા છે.
ગુજરાત એટીએસના અધિકારીઓને સેન્ટ્રલ આઇબીના અધિકારીઓએ રિપોર્ટ આપ્યો હતો કે કચ્છના લખપત અને મુદ્રા તાલુકામાં આવેલા કેટલાંક ગામોમાંથી સોશિયલ મિડીયા તેમજ વોટ્સએપ પરથી કેટલીક શંકાસ્પદ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેથી એટીએસના અધિકારીઓએ ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે મુદ્રાના ધુ્રબા અને લખપત તાલુકાના પુલરા તેમજ ધલુકી ગામમાંથી ચાર લોકોની અટકાયત કરી હતી.
એટીએસને ઝડપાયેલા શખ્સોના મોબાઇલ ફોનમાંથી પાકિસ્તાનમાં વોટ્સએપથી કોલ થયાની અને કેટલીક માહિતી મોકલાઇ હોવાની વિગતો પણ મળી હતી. સાથેસાથે તેમની સાથે થયેલા આર્થિક વ્યવહારો અંગેની માહિતી પ્રાપ્ત થઇ છે. જેના આધારે તમામની પુછપરછ કરવામાં આવી રહી છે. એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ તમામ લોકોની પુછપરછ કરવાની સાથે પુરાવા પણ એકઠા કરવામાં આવી રહ્યા છે. જે અંગે બે દિવસમા સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.